પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
પુરાતન જ્યોત
 


આ એ જ ઝૂંપડાં છે. એ જ જગ્યાઓ છે. ભીંતો પરના એ જ રંગ કાયમ છે. પરંતુ મેકણ કહે છે કે, અરે લોકો, એને રંગનારા ચાલ્યા ગયા.

કુરો કરિયાં, કિત વિંઝાં,.
કે' કે કરિયાં સડ !
જમ જોરાણું થૈ મુંકે,
આડી ડઈ વ્યો અડ.

હું શું કરું? ક્યાં જાઉં? કોને સાદ કરું? આ જમ જુલમી થયો અને મારી આડે પડદો નાખી ગયો.

કોણ તર્યું ? કોણ ખાટી ગયું ? આ અસારતામાંથી કોણ ઊગર્યું? મેકણ કહી ગયા :

ખારાઈંધલ ખટેઆ ;
મેડીધલ મુઠા :
સરઘાપુરજી સેરીએ.
મું ડીંધલ ડિઠા.

ખાટી ગયા તે ખવરાવનારા; ધનને એકઠું કરનારાને તો સાથે માત્ર મૂઠો જ આવ્યો. સ્વર્ગભુવનની શેરીએ તો દાતાજનોને જ દીઠા છે.

અને બીજા કોણ તરી ગયા ?

જિની જુવાણી જારવઈ
મોડે રખેઓ મન,
સરઘાપુરજી સેરીએ
કલ્લોલું તા કન.

જેમણે જુવાની જાળવી, અને મનને દાબીને જેમણે અંકુશમાં રાખ્યું, તેઓ જ સ્વર્ગાપુરની શેરીએ કલ્લોલ કરી રહ્યા છે.