પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત મેકરણ
૧૪૧
 


૬. સમાધ

મેકણ બાવાએ બેઉ રંગો જીવનમાં જાળવી જોયા. જડ્યું તેટલું લોકોને દીધું, અને જુવાનીની વિશુદ્ધિ જાળવી. પછી એણે સંસારલીલાનો સંકેલો કર્યો. સંવત ૧૭૮૬ના આસો વદ ૧૪ના રોજ દિવાળીના આગલા પ્રભાતે ધ્રંગલોડાઈના સ્થાનકમાં એણે સમાઈ જવા માટે સમાધ ગળાવી.

દસ જણા એની જોડે સમાધ લેવા તૈયાર થયા. અગિયારમો એક ઢેડ હતો. એનું નામ ગરવો.

બીજા શિષ્યો સુગાયા. જગતે તિરસ્કાર કર્યો. અધમ ઢેડને પણ સાથે સમાધ? ત્યારે મેકણે જગતને જવાબ દીધો :

કેં કે વલિયું કોરિયું;
કેં કે વલા વેઢ;
વલે કના વલા,
મુંકે ઢાઢી બેઆ ઢેઢ.

"ઓ ભાઈઓ ! કોઈને કેરીઓ (દ્રવ્ય) વહાલી, તે કોઈને વેઢવીંટીના દાગીના વહાલા, મને તો સૌથી વધુ વહાલા એ ઢાઢીઓ ને ઢેડો છે, કે જેમને જગતે અધમ વર્ણ ગણી અળગા કર્યા છે.

"અને શો વાંધો છે એમાં?

પીપરમેં પણ પાણ
નાય બાવરમેં બ્યો;
નિયમેં ઊ નારાણ
પોય કંઢેમેં ક્યો

"પીપળામાં પણ પોતે જ (ઈશ્વર) છે, અને બાવળમાં પણ બીજો નથી. લીમડામાં પણ એ જ નારાયણ છે, ત્યારે ખીજડામાં વળી બીજો કયો હોય ?”