પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬
પુરાતન જ્યોત
 

વચ્ચે વચ્ચે એ અંદરના આઘા ઓરડામાંથી ઊઠતા તાલ-સૂરની સાથે એકતાલ બનીને ખોદકામ કરતો હતો. ખતરીસો કેમ જાણે ધણીનું કામ કરવાને બદલે વધુ ધ્યાન એ ભજનમાં દેતો હતો. ચોરને ચીડ ચડતી હતી. ખતરીસાના ટોચા તાલબંધી પડતા તે એને ગમતું નહોતું. ખતરીસાને શું કાન હતા? ભજનના શબ્દો એ પકડતો હતો? કેમ કહેવાય ? ભજનના શબદ તો આ હતા —

મારું મન મોહ્યું રે શૂરવીર સાધસેં
હાં રે હાં, જેને રુદિયે વસ્યા લાલ ગુંસાઈ
 મારા વીરા રે !

હાલો રે ભાવે તમે હુઈ મળો રે.
સાચે દિલે કરોને ઓળખાણું
 મારા વીરા રે !

તોળી કહે,

આંખુંના ઉજાગરા તમે કાં કરો ?
નયણે નીરખી નીરખી જુઓ !
 મારા વીરા રે !

આંજણુંના આંજ્યા રે ભૂલા કાં ભમો ?
હાથમાં દીવો લઈ કાં પડો કૂવે
 મારા વીરા રે !

તોળી કહે,

કાલર ભૂમિમાં મત વાવીએ
અને ખાતર જોઈ જોઈ પોંખીએ
 મારા વીરા રે !

જોત્યુંને અજવાળે દાન રૂડાં દીજીએં,
માણેક નમી નમી લીજે
 મારા વીરા રે!