પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨
પુરાતન જ્યોત
 

વસ્તીને સંતાપછ તે જાને સેરઠના મૂછાળા સાંસતિયા કાઠીને ઘેરે ! પાંઉપાટણ ગામના એ પ્રભુભક્તને ઘેરે તોળી કાઠિયાણી છે. તોળી નામની ઘોડી છેઃ કાઠીની તલવાર પણ ટીંગાતી હશે પરસાળમાં. જબરો છો તો જા પહોંચને ! પણ કાઠીની તરવાર્થી ચેતજે, જાડેજા !

કાઠીની તરવાર ! જોઈ લેજે ભાભી ! એને પણ ઉપાડી લાવું. એની બાયડીનેય લઈ આવું. એની ઘેાડીનેય પલાણી લાવું.

કાઠીનાં ત્રણેય નાક કાપી ન લઉં તે હું જાડેજો જેસલ નહીં.

હરિને એારડે જ્યોત ને થાળ પધરાવાયો. ત્યાં મૂર્તિ નહોતી. ન કોઈ દેવની, કે ન ઈશ્વરની : હતી એકલી જ્યોત. જ્યોતનો પૂજક એ મહાપંથ 'મોટો પંથ' હતો. પ્રત્યેક નર પોતાની નારીને ભેળી લઈ આવતો. એકલાને પ્રવેશ નહોતો. અતિહણાયેલા ને આજે તો સડી ગયેલા એ 'મોટા પંથ'ની એક વાર આ બધી ખૂબીઓ હતી.

કોળીપાવળ (પ્રસાદ) વહેંચાયો. તમામને કોળિયો પહોંચી ગયો ? કોઈ બાકી ? ના ભાઈ હવે કોઈ બાકી નથી રહ્યું. કોઈ નહીં.

"અરે હશે હશે એકાદ જણ” કોળીપાવળ વહેંચનારે મક્કમપણે કહ્યું, “આંહીં થાળમાં એક જણનો કોળિયો હજી વધે છે.”

“તપાસી વળો.”

માણસો તપાસ કરે છે. આખા વાસમાં એકેય માનવી નથી. અરે પણ આ ઘોડી હજી કાં જંપતી નથી ? આ ફરડકા ને હીંહોટા શાના? કોઈ ચોર તો છુપાયો નથી ના ? માણસો મશાલો લઈ લઈને દોડ્યા, ઘોડાહેરની અંદર આ ભીનું શું છે? આ રેલા શેના ચાલ્યા જાય છે ? ગરમ ગરમ આ પાણી ક્યાંથી ? પાણી નથી, આ તો લોહી લાગે છે. આ શી નવાઈ !