પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'જેસલ જગનો ચોરટો'
૧૫૫
 


જેસલને ખાતરી થઈ ચૂકી. આ પહાડની ટૂંક સરખો કાઠી તરવાર મગાવે છે. હમણાં મારા કટકા કરશે.

“લ્યો જેસલ જાડેજા.” સાંસતિયે જેસલની નજીક જઈને તરવારનો પટો એને ખભે લટકાવી દીધો અને કહ્યું :

"લ્યો નારાણ ! મારે તો આ હવે ખપની નથી રહી, પડી પડી કાટ ખાય છે. તમારી પાસે હશે તો જળવાશે. અને ઘોડી જોતી'તી તો આવીને માગવી નો’તી ? બહુ મહેનત લીધી બાપ ! એલા કોઈ ઘેાડીને માથે પલાણ માંડો. ને સતી ! જાવ, જાડેજા જેસલજી રોટલે-પાણીએ દુખી હશે. એની સાચવણ રાખજો. ને બેય જણાંને દિલ થાય તે દી પાછાં ચેતનાં ભજન ગાવા ચાલ્યાં આવજો.”

"ને જેસલ જાડેજા !” સાંસતિયો જેસલ પ્રત્યે ફર્યો : “એટલું એક ન ભૂલજો કે આંહીં ઠાકરના પ્રસાદમાં તમારા ભાગનો કોળિયો વધી પડ્યો હતો. લ્યો આરોગતા જાવ !"


'૨. કાળથી ડર્યો

પાપ તારાં પરકાશ જાડેજા !
ધરમ તારો સંભાળ જી;

તારી બેડલીને બૂડવા નહીં દઉં
તારી નાવડીને ડૂબવા નહીં દઉં
 જાડેજા રે... એમ તોળલ કે' છે જી. '

હરણ હણ્યાં લખ ચાર તોળી રાણી !
 હરણ હણ્યાં લખ ચાર જી,
 વનના મોરલા મારિયા,
મેં તો વનના મોરલા મારિયા
 તોળાંદે રે.. એમ જેસલ કે' છે જી.–પાપ તારાં૦