પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જેસલ જગનો ચોરટો
૧૫૭
 

"નહીં મરું. ધણી જિવાડનારો છે, જાડેજા !”

“ધણી તારો ! જોયો જોયો. એવી વાણીમાં મને સમજ નથી પડતી. હાલ ત્યારે, પકડ પેંગડું, ને કાઢ દોટ.”

જાડેજાની રાંગમાં ભીંસાતી ઘોડીએ વેગ પકડયો, અને કાઠિયાણી તોળલ પણ પેંગડું પકડીને જેસલના જમણા પડખે સથોસાથ દોટ કાઢવા લાગી.

પ્રભાતનાં કેસરવરણાં કિરણો ફૂટયાં ત્યારે નામની (નવા-નગરની) ખાડીને કાંઠે જેસલ જાડેજો, ઘોડી ને તોાળલ, ત્રણે પહોંચી ગયાં.

ધકા ઉપર ભિડાઈ ને મોટો મછવો ઊભોા હતોા. કચ્છ જનારાં ઉતારુઓની કતાર લાગી ગઈ હતી. સૌએ આઘેથી આ ત્રણેને નિહાળ્યાં.

"કોઈ જડસુ આદમી લાગે છે જડસુ.” ઉતારુઓમાં વાતો ચાલી : “બાયડીને દોટ કઢાવતો ઘોડીની સાથોસાથ લેતોા આવે છે.”

"અને જુઓ જુઓ ! બાઈને મહિના ચડતા લાગે છે.!" નજીક આવતી ત્રિપુટીમાંથી તોાળલના દેહની અવસ્થા પરખાઈ ગઈ.

"ઘાતકી લાગે છે.”

"બાઈ પણ બળૂકી દેખાય છે. જુઓની એની કદાવર કાયા."

"ઈ જ લાગની હશે કાં તો.”

ઘોડેસવાર જ્યારે તદ્દન ઢૂકડા આવ્યા ત્યારે જ એનું બુકાની-બાંધ્યું મોં કેટલું ભયાનક છે તેની ખબર પડી. ઘોલર મરચાં આંજેલી જાણે આંખો હતી. કાળી ભમ્મર દાઢી હતી. માથે કાળાં જુલફાં હતાં. જુવાની આંટો લઈ ગઈ હતી.

ઘોડીએથી ઊતરીને એ સીધો વહાણ તરફ આવ્યો.