પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨
પુરાતન જ્યોત
 


"ઓય બાપા ! મને નાખશો મા. તોળલદે ! બચાવો મને.” જેસલ હાથ જોડવા લાગ્યો.

તોળલ સૌની આડે આવી ઊભી. કહ્યું, “ઘડીક ખમો.” અને જેસલ તરફ વળી : “જેસલજી, વહાણ ઊગરશે, તોફાન હેઠું બેસશે, તમારાં કરમોનો બોજ ફગાવી નાખો દરિયામાં.”

"શી રીતે તોળલદે ?"

"પાપ પરકાશી નાખો. ધરમને યાદ કરો. તમારો પાપબોજ ધણી પોતાની ખોઈમાં ઝીલશે.”

"ધરમ ! તોળલદે ! મેં ધરમ કર્યું નથી. એક પણ નથી કર્યું. મેં પાપ જ કર્યા છે.”

"પરકાશી નાખો જાડેજા ! તમારી બેડલી નહીં બૂડવા દઉં. ઇતબાર આવે છે ? બોલો બોલો જેસલજી, પોતાની જીભે જ કબૂલી નાખો. વહાણમાંથી ભાર હળવો કરો. જુઓ, બીજા બધાંએ પોતાનાં પોટલાં વામી દીધાં. તમે તમારાં પોટલાં વામી દ્યો પાણીમાં.”

"ઓહ – ઓહ – તોળલદે, મેં વનના મોરલા માર્યા છે, લખોમુખ હરણાં માર્યા છે. નિરપરાધી જીવડાંની હત્યા કરી છે.”

"બસ ! હજી હજી પરકાશો. હોડી નહીં બૂડવા દઉં. તમે જીવશો. જીવવું વહાલું લાગે છે ને જેસલ ! તમે જેના જાન લીધા છે એનેયે એવું જ વહાલું હશે. એને યાદ કરો. એની માફી માગો જાડેજા. બેડલી નહીં બૂડવા દઉં.”

"તોળી રાણી ! વોય – વોય – ભેંકાર કામાં કર્યા છે મેં. મેં સરોવરની પાળો ફાડી છે. લોકનાં મોંમાંથી પાણી પડાવ્યાં છે. ને મેં ગોંદરે ગોંદરેથી ગાયો લુંટી છે, હાંકી છે, તગડી છે, મારી છે, દૂઝણી ને ગાભણી ગાયને મેં તગડી છે.”

“એનાં વાછરું કેવાં ભાંભરતાં રિયાં હશે જેસલજી !”

“ઓ મા ! ઓહ !”