પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
[૧]

હાશિવરાત્રિનો મોટો તહેવાર હતો. ભક્તિના નશામાં મસ્તાન બનેલો દરિયો રત્નેશ્વર મહાદેવની ગુફામાં કેમ જાણે લીલાગર ઘુંટતો હોય તેવી ખુમારીથી ભરતીનાં જળ એ સાંકડા ભોંયરામાં પેસતાં હતાં ને પાછાં ઘુમ્મરો ખાઈ ખાઈ બહાર ધસી આવતાં હતાં. કોઈ બરકંદાજની નજરથી નિહાળીએ તો જાણે કે રત્નાકર એક પ્રચંડ તોપની અંદર દારૂગેળા ઠાંસી રહ્યો હતો.

સોરઠને ઉગમણે કિનારે એક એકાન્ત સ્થાન માં અરબી સાગરનું એ અંતર્ગત નાનું તીર્થ આવેલું છે. પૃથ્વીનું પેટાળ ભેદભેદીને રત્નાકરે એ ભોંયરું રચ્યું, ને માનવીઓએ કોણ જાણે કયા અકળ કાળમાં એ ભોંયરાને ઊંડે છેડે શિવલિંગ બેસાડ્યું. માનવજાતિનો હરેક મહાન સંસ્કાર જમાને જમાને ભયાનકતાનું શરણ લેતો આવ્યો છે. એ જ અવસ્થા ધર્મ નામના માનવસંસ્કારની થતી આવી છે. ધર્મનાં મૂળિયાં ઢીલાં પડ્યાં ત્યારે એણે ભીષણતાને પોતાની બહેન બનાવી લીધી.

રત્નેશ્વર મહાદેવની એ ગુફામાં ધસતાં ને પાછાં ઉલેચાતાં સાગર-જલ નિહાળતાં કાચાં હૈયાં થરથરી ઊઠે.

પ્રભાતનો પહોર ચડતો હતો ત્યાં જ પાસેના દિયાળ ગામમાંથી બ્રાહ્મણોનાં જૂથ ઊમટવા લાગ્યાં. તેઓની જોડે લીલાગર ઘૂંટવાની ખરલો, છીપ, ઉપરવટણા, ભાંગનો મસાલો ને મોટાં રંગાડાં પણ આવી પહોંચ્યાં.

ભરતી પાછી વળી ત્યારે રત્નાકરે રત્નેશ્વરનું ભોંયરું