પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'જેસલ જગનો ચોરટો'
૧૬૩
 


"પરકાશો, પાપને હૈયામાંથી ઠાલવી નાખો. જુઓ, જુઓ જાડેજા, વાવડો કમતી થયેલ છે. મોજાની થપાટો મોળી પડી છે. હાં જેસલજી હરમત રાખો. પાપ પરકાશો ! બેડીને હું નહીં બૂડવા દઉં.”

"તોળી રાણી ! હવે તો ન કહેવાય તેવી વાતું યાદ આવે છે. મેં – મેં શું કર્યું છે કહું? મેં કુંવારી જાનો લુંટી છે, મેં ઘરેણાં માટે મોડબંધા વરરાજાઓને ઝાટકે માર્યા છે.”

"પરણવા જાતા’તા તેને ?”

"હા, હા, કોડભર્યા જાતા'તા તેમને. અને કેટલાને ? ગણાવું ! સાત વીસુંને – એક સો ઉપર ચાળીસને— ઓહ મારી મા !” જેસલે આંખ મીંચીને ઉપર હાથ દાબી દીધા.

“જુઓ જાડેજા. પાણીના પછાડા શમી જતા જાય છે. આભમાં ઉઘાડ થઈ રહેલ છે. તમારે પ્રતાપે દ્રશ્યું નિર્મળ બનતી આવે છે. હજુય હોય એટલાં કબૂલ કરી નાખો. હોડીને નહીં ડૂબવા દઉં.”

"તોળી રાણી ! શું શું કબૂલું ? મનેય સાંભરતાં નથી. મેં કેટલાં પાપ કર્યા છે કહીં દઉં? માનવીને માથે જેટલા મોવાળા છે, એટલાં પાપ મારે માથે છે. ગણ્યા ગણાય નહીં તોળલદે ! મને બચાવો.”

“રંગ છે જેસલજી ! આખી જ પાપ-પોટલી હૈયેથી ઉતારી નાખી તમે. હવે વહાણને નહીં ડૂબવા દઉં. જુઓ, નજર કરો, વહાણ સમથળ બન્યું છે. ને નીરખીને હસો, કે મુસાફરો બધાં કેવાં રાજી રાજી થયાં ! તમે એટલાં બધાને જિવાડ્યાં. તમે જ જિવાડ્યાં હો જેસલજી ! જુઓ આ નાનાં છોકરાં હસે છે. જુઓ સૌ તમને દુઆ દે છે. જુઓ, મરણ કેવું ભેંકાર છે ! અને જીવન કેવું મીઠું ! જેમ બીજાને તેમ જ તમનેય તે, ખરું જેસલજી !”