પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'જેસલ જગનો ચોરટો'
૧૬૫
 

દેખી ગાભરો બન્યો ત્યારથી જ મને ખબર પડી ગઈ છે કે હું હિચકારો છું.”

“તો જાડેજા, હવે ભલાયું કરીલ્યો. ને જેસલજી, રુદન કર્યે શો માલ છે? ઓ મારા ભાઈ, 'થોડાં જીવણાં એ જી!' જીવતર છે.”

“સતી, શું કરું?”

"સાહેબધણીને ભજો.”

"ક્યાં છે તારો એ સાહેબધણી ! હું એને ક્યાં ગોતું?”

તારો મુંને સાહેબ બતાવ તોળી રાણી !
કરી લે ભલાયું; થોડાં જીવણાં રે જેસલજી !

ચાલી આવે જોગીની જમાત જાડેજા !
તેમાં તો સાયબો મારો રાસ રમે જેસલજી !

અવર બાવાને ભગવો ભેખ જાડેજા !
સાયબાને પીતામ્બર પાંભડી જેસલજી !

હરણાં ચરે લખ ચાર જાડેજા !
તેમાં સાયબો મારો એકલસીંગી જેસલજી !

અવર રોઝાંને દો દો શીંગ જાડેજા !
સાયબાને સોનેરી શીંગ જેસલજી !

અવર રોઝાંને ખાવા ઘાસ જાડેજા !
સાયબાને કસ્તૂરી કેવડો જેસલજી !

બોલ્યાં બોલ્યાં તોળાંદે નાર જાડેજા !
સતીએ ગાયો હરિનો ઝૂલડો રે જી !

"જેસલ જાડેજા ! મારો ધણી નથી કોઈ આભની અટારીએ, નથી કોઈ ગેબી જગ્યામાં. જુઓ. આ સાધુડાં અતિથિ આવે તેમાં મારો હરિ છે, આ હરણાં ચરે તેમાંય મારો હરિ છે.”

"હું એને શી રીતે પામું ?”