પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦
પુરાતન જ્યોત
 

છોકરું પડી જશે. બાઈ, બરાબર સાચવજે તારા બાળકને !”

ઝાડની ડાળેથી વાંદરી જોઈને હસીઃ “બાઈ, અમે તો જાનવરઃ અમારે અક્કલ નહીં, તોય મેં તો મારા બાળને મારી છાતીસરસું રાખ્યું છે. પણ તું માનવી, તું આટલું ડાહ્યું માનવી, તને તારા પેટના બાળકની કેવીક સાચવણ છે તે તો એક વાર વિચાર ! તેં તો તારા બાળકને અંતરિયાળ, અનાથ દશામાં, પારકાની દયા પર છોડ્યો છે, અને તે પણ શા માટે ? ઉત્સવમાં એક કોળિયો મીઠું અન્ન મળવાનું છે તને, તેટલા જ સ્વાર્થ માટેને !” એમ કહેતીક વાંદરી ઠેકાઠેક કરતી ઝાડ પછી ઝાડ વટાવી ગઈ. અને આંહી તોળલને એ મહેણું કલેજામાં ખૂંતી ગયું. એને પુત્ર યાદ આવ્યો. દેહમાં પાનો ચડ્યો. છાતીમાં થરાટ ચાલ્યા. સ્તનમાં ધાવણ ઊભરાયાં, છાતી ફાટફાટ થઈ રહી, તોળલને મૂર્છા આવી, મુડદા સરીખી બનીને એ ત્યાં પટકાઈ પડી.

જંગલમાં જેસલ મૂંઝાઈ ને ઊભા થઈ રહ્યો. કોઈ માનવી ત્યાં નહોતું. જેસલ તે દિવસ જીવન ધરીને બીજી વાર ડર પામ્યો. એક દિવસ ડાર્યો હતે ખાડીના તોફાનમાં ઓરાયેલા વહાણની અંદર–ત્યારે તો એ બાયલો બની ગયો હતા. આંહીં કજલીવનમાં તો એ બાવરો, અજ્ઞાન, માવિહોણા બાળક જેવો બનીને ડર્યો, એણે તોળલના શરીરને ઢંઢોળી જોયું. તોળલના કાન પર એણે સાદ પાડ્યાઃ

“સતી ! જાગો, આંહીં અંતરિયાળ કાં સૂતાં? તમ સરીખાં સમરથને આ શી નબળાઈ સતાવી રહી છે, સતી ! તમારામાંય શું સંસારી મોહમાયા સંતાઈ રહેલ છે. તોળલ?”

તોરલના મૂર્છિત દેહ પાસે ઘૂંટણભર બેઠેલા જેસલે ઊંચાં ઝાડવાં પર આંખો માંડી. સામે વાંદરાં બેઠાં બેઠાં મશ્કરીનાં દાંતિયાં કરી રહ્યાં છે. સંતપણાના કેવા કેવા કઠોર, પાષાણી,