પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'જેસલ જગનો ચોરટો'
૧૭૧
 

અને કેવા કાંટાળા ! જેસલને જેવું શરીરબળનું ગુમાન હતું, તેવું જ અભિમાન તોળલનેય અંધી કરી બેઠું હતું, પેટ ચીરીને ગર્ભ કાઢી નાખ્યે જાણે કે પોતે બંધનમાંથી મોકળી બની ગઈ એવો એ ગુપ્ત મદ હતો. નહીં, નહીં, એ બંધનો છૂરીથી છેદી શકાતાં નથી. પ્રકૃતિ સામેનો એ દ્રોહ છે. સત્તા અને સામર્થ્યનો એ હુંકાટો હતો. તોળલે થાપ ખાધી હતી.

તોળલદેના દેહને પોતાની પછેડીમાં નાખી, ગાંસડી બાંધી, ગાંસડી પોતાના માથા પર ઉપાડી જેસલે સાંસતિયાના ગામ તરફનો પંથ કાપવા માંડ્યો.


૫. સજીવન કર્યાં

શિર પર ગાંસડી, સાધુનો વેશ, આંખોમાં દડદડ આંસુડાંની ધાર, એવા દીદારે જેસલ જાડેજો સાંસતિયાના ઓરડે આવીને ઊભા રહ્યો. મુખમાં બોલ નથી. મતિ મૂંઝાઈ ગઈ છે.

ઓરડામાં જ્યોત જલે છે. ચોપાસ મંડળ બેઠું છે. ભજનની ઝૂક મચી છે. અતિથિને ભાળતાં જ ભજન વિરમી ગયું. આદમી એકદમ ઓળખાયો નહીં.

સાંસતિયાજી ઊભા થઈને પરોણાની પાસે આવ્યા. ઓળખ્યા. "કોણ જેસલજી ? એકલા કેમ ? મોડું શાથી થયું ?”

જેસલના મોંમાંથી જવાબ ન નીકળ્યો. પ્રશાંત મુખમુદ્રા પર આંસુની ધારા જોર પકડવા લાગી.

"તોળાંદે કયાં છે ?”

જેસલે માથા પરની ગાંસડી ઉતારીને ધરતી પર તેની સામે મૂકી. ગાંઠ છોડી નાખી. તોળલનો બેભાન દેહ ધરતીને ઢાંકી ત્યાં પથરાઈ ગયો. છાતી તરબળ હતી. સ્તનમાંથી હજુય દૂધની ધારા ફૂટી રહી હતી. આખો દેહ કોઈ અજબ ઉશ્કેરાટથી હાંફી રહ્યો હતો.