પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુરાતન જ્યોત
 

ખાલી કરી દીધું. ભયાનકતા દૂર ચાલી ગઈ. બ્રાહ્મણો અંદર ઊતરીને ભોંયરામાં પેઠા ને પાણી પાછું કદાપિ ચડવાનું જ નથી એવા પ્રકારની વિશ્વાસભરી લહેર કરતાં સહુએ શિવલિંગ સમક્ષ સુખડ ઘસીને લલાટ પર સુંદર ત્રિપુંડો ખેંચ્યાં. ગુફાનું પોલાણ 'બોમબોમ ભોળા’ના ઘેરા અવાજોથી ભરપૂર બની ગયું.

"કેદાર !” બેઠેલા જૂથમાંથી એક ત્રિપુંડધારીની હાક પડી : “તું અહીંથી બહાર નીકળ.”

"કોણ કેદારિયો આવ્યો છે ? માર્યા રે માર્યા,” એવું બોલતા બીજાઓએ પણ એક માણસને નિહાળી પોતાનાં આસનો જરા છેટાં જમાવ્યાં.

"બહાર નીકળ આ તીર્થમાંથી !” પ્રથમ વાર અવાજ ફરીથી વધુ જોરાવર બનીને વછૂટ્યો.

"પણ મારો વાંક શો છે?" કેદારે દૂબળો સવાલ કર્યો.

"વાંક ?” બે વાર બોલેલા એ ભવ્ય પુરુષે ફરીથી ગુફાને ગુંજાવી : “હજુય તું હાથે ખેડ કરતો અટક્યો છો ? તમામ બ્રાહ્મણોએ પોતાની જમીન કોળીએાને ખેડવા દીધી, તે છતાં તેં હજુ તારી હઠીલાઈ છોડી છે? તારા દેદાર તો જો ! તારું ધરતીનાં ઢેફાં સાથેનું જીવતર, તારાં સ્નાન-શૌચનાં ઠેકાણાં ન મળે ! તારાં લૂગડાં આ ગુફાને ગંધાવી મૂકે તેવાં : તું મનુષ્ય છે? વિપ્ર છે? મહારાજ સિદ્ધરાજે વિપ્રોને આ જમીન આપી તે પશુ જોડે પશુ બનવા માટે? કે ધર્મની રખેવાળી માટે ?"

“પણ પૂજારીજી !” સુખડ ઘસતા બ્રાહ્મણેમાંથી એક જણ બોલી ઊઠ્યોઃ “તમે એ બધી વાતો કરો છો, ને મુદ્દાની વાત પર તો આવતા જ નથી.”

"શી, શી છે મુદ્દાની વાત ?” બીજાઓએ પૂછ્યું.

"હા, હું જાણું છું. હું હમણાં જ એ કહેવાનો હતો. કેદાર, તારી માને રક્તપીત છે. છતાં તેં હજુ એને ઘરમાં