પૃષ્ઠ:Puratan Jyot.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪
પુરાતન જ્યોત
 


તોળલના પડકારા સમાધની માટીને કંપાવવા લાગ્યા. માટી એની મેળે સરકવા લાગી. શબદ, સંગીત અને નૃત્યની ત્રેવડી ચોટ લાગી, બ્રહ્મરંધ્રમાં રૂંધાઈ રહેલો જેસલનો પ્રાણ નાડીએ નાડીએ પાછો વળ્યો. જેસલ આળસ મરડીને ઊભા થયા. એણે મેવાડથી આવેલાં રૂપાંદે-માલદે જોડે પંજા મિલાવ્યા. ને પછી તોળલ સાથે એકાંત-ચર્ચા કરી.

“જેસલ જાડેજા ! બસ, હવે આપણે માટે એક જ વાત બાકી રહી છે. જીવનમાં જે નથી થઈ શક્યું તે મૃત્યુને માંડવડે પતાવી લઈએ. લ્યો જેસલજી ! આવતા ભવનાં આપણાં પરણેતર ઊજવી લઈએ.”

તોળલે મસ્તક પર મોડિયો (પરણતી કન્યા માથે પહેરે છે તે) મૂક્યો. કુંવારી કન્યાની પેઠે વાઘા સજ્યા. બન્ને જણાંએ સામસામાં કંકુકેસરનાં છાંટણાં કર્યા. અને પછી નવી બે સમાધ જોડાજોડ ગળાવી. વળાવવા ગયેલાં બીજાં બધાંય પાછાં વળ્યાં, ન વળ્યાં એક તોળલદે. એ તોજેસલજીની સાથે સમાયાં.

*



પીર કેવરાણા ભાઈ સીધ કેવરાણા
જેણે દલડામાં ભ્રાંતુ નવ આણી રે
અલ્લા હો ! જગમાં સીધ્યાં જેસલ ને તોળી
બીજ રે થાવરનો જામો રચાવિયો
ધણી કેરો પાટ મંડાણો રે હાં;
માજમ રાતના હુઆ મસંદા ત્યારે
ચોરી થકી ઘેર આવ્યા રે.
—અલ્લા હો૦