પૃષ્ઠ:Puratan Jyot.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
 

નીચે પડેલ હાંડાની અંદર પણ જીભ નાખતાં હતાં. એ સહુને પાણી મળી રહેતું, પણ ઘાસના અંધારા ઓરડામાંથી 'કોઈ પાણી દેશો' ના અવાજની સંભાળ લેવા કોઈ ત્યાં નહોતું ડોકાતું.

"લાલા, બેટા, વહુ ક્યાં ગઈ છે? કોઈ પાણી દેશો ?”

એવા ચોથી વારના અવાજે બાજુના ઓરડાનું ઘોડિયું સળવળાવ્યું. અંદરથી એક ત્રણેક વર્ષનો છોકરો મહેનત કરીને નીચે ઊતર્યો. સાદ જ્યાંથી આવતો હતો તે ઓરડાની બહાર ઊભો રહ્યો. પૂછ્યું : “કોણ છે?"

"લાલા, બેટા, હું છું.”

“મા છે ?"

“હા બેટા.”

"મા, શું છે ?"

"મારે પાણી પીવું છે, કોઈ ઘરમાં નથી ?”

“હું છું.”

"બહાર કૂંડામાં પાણી છે ?"

“નથી.”

“ઠીક ત્યારે, કંઈ નહીં બેટા ! તારી બાને આવવા દે.”

“મા, તમે અંધારે અંધારે કેમ બેઠાં છો? તમે ખડ ખાવા બેઠાં છો મા? તમે બહાર આવોને મા !”

“લાલા, બેટા, મારાથી બહાર અવાય નહીં. કોઈને મોં દેખાડાય નહીં.”

“મા, મારે તમારું મોં જોવું છે.”

"ના બેટા, મારું મોં બહુ વહરું છે. મારું નાક ને મારા હોઠ ખવાઈ ગયા છે. તું મને ભાળીને બી જા, બેટા !”

“નહીં બીઉં મા. તમને અહીં કોણે રાખ્યાં છે મા ? બાએ ? બાપુએ ? બાને હું મારું? બાપુને હું મારું ? મા. તમે મને રમાડો. તમે મને વાર્તા કહો, તમે મને હીંચોળો, મને