પૃષ્ઠ:Puratan Jyot.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુરાતન જ્યોત
 

હાલાં કરો.”

જવાબમાં કશો અવાજ આવ્યો નહીં. ફક્ત એક નિઃશ્વાસ સંભળાયો.

“મા, તમારું નાક ખવાઈ ગયું છે? મારે જોવું છે. કોણ ખાઈ ગયું ?"

"નહીં બેટા, ન જોવાય. આવતો ના હો.”

નાનો બાલક આ નકારને ગણકાર્યા વગર અંદર ચાલ્યો. એની ઝાંઝરી ખખડી એટલે અંદરથી અવાજ થયો : "ન અવાય બેટા લાલા ! બહાર રે'જે ! બહાર રે'જે ! મને ન અડાય.”

આટલું કહેતાં તો નાનો બાલક છેક પાસે પહોંચી ગયો. જ્યાં પહોંચ્યા ત્યાં અસ્પષ્ટ અજવાસ હતો. જઈને એ ત્યાં બેઠેલાં દાદીમાના ખોળામાં ચડી બેસી ગયો.

દાદીમાએ મોં ઉપર ઓઢી લીધું. હાથનાં આંગળાં છુપાવી દીધાં. ઉપરાઉપરી પોકાર કરવા લાગી : “તને વળગશે ! બેટા, તને વળગશે ! તું ન અડતો મને.”

“હી–હી–હી–હી મા,” નાના બાળકને જાણે કે ઘણા દિવસ પછી પોતાનું કોઈ ગુમ થયેલું રમકડું જડી ગયું. દાદીમાનો ઘૂમટો પણ ખોલાવવા એ ખેંચાખેંચ કરવા લાગ્યો : “ઉઘાડો, મા. ઉઘાડો. મોઢું ઉઘાડો !”

"લાલા, બેટા, કોઈને કહી ન દે તો ઉઘાડું.”

“નહીં કહી દઉં. ઉઘાડો.”

દાદીમાએ ઘૂમટો ખોલ્યો. એ મોં ઉપરથી મૃત્યુએ બટકાં ભરી લીધાં હતાં. રસી અને લોહી ટપકતાં હતાં. દુર્ગંધની મિજબાની ઉડાવતી માખીઓ બણબણવા લાગી.

બાળકે એક નવીન જ ચહેરો દીઠો. એણે દાદીમાને વેશપલટો કરીને બેઠેલ દીઠાં. મા, મા કરતા એ ભેટી પડ્યો.

બરાબર એ જ વખતે રત્નેશ્વરની ગુફાએથી કેદાર આવી