પૃષ્ઠ:Puratan Jyot.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુરાતન જ્યોત
 

ઉપર પણ જળપ્રલય થયા જેવું જ લાગે છે. તમારી રજા માગું છું. મારા કેદારનો લાલો છે ને, એની રક્ષા કરજો.”

પ્રભાતે કેદારની માનો વાજતેગાજતે વરઘોડે નીકળ્યો.

ડોશીએ પોતાનું વિકૃત બનેલું મોં ઢાંકી લીધું હતું. પોતાનાં ખાવાપીવાનાં ઠામડાં એણે સાથે લીધાં હતાં. પોતાનાં લૂગડાંની પણ બચકી માથા ઉપર ચડાવી હતી.

"ભાઈ કેદાર,” ડોશીએ એક બાજુએ ઊભા રહીને કાકલૂદી કરી : “લાલો કયાં છે ?"

“લાલાને રમવા તેડી ગયા છે.”

“લાલાને સાચવજે હો ભાઈ! આપણી જાંબલી ગા છે ને, તેનો વેલો બીજા કોઈ બ્રાહ્મણને આંગણે નથી, માટે એને વેચી દેતો નહીં. ને તુંને પેટમાં દુખાવો ઊપડે છે માટે મઠ ખાતો નહીં, મઠ તને જરતા નથી.”

ડોશીની આખરી વેળાની આવી ભલામણો સાંભળીને બ્રાહ્મણો હાંસીની મોજ માણતા હતા.

ફક્ત કેદાર જ મોં ફેરવીને ઊભો હતો. 'હો’ 'હો' જેટલો પણ એનાથી ઉચ્ચાર ન થઈ શક્યો. પેટનો દુખાવો, મઠ, જાંબલી ગાયનો વેલો, વગેરે વગેરે વાતોમાં તે એવી શી કરુણતા ભરી હતી કે જેણે કેદારને રોવરાવ્યો ? કોઈ ન સમજી શક્યું. મૃત્યુના મુખમાં ઊભેલી એ ગ્રામ્ય ડોશીનાં નાક-મોંમાંથી વહેતાં લાળલીંટ અથવા એના બોખા મોં વચ્ચેથી ઊડતું થૂંક પણ સહુની હાંસીને પાત્ર બની ગયાં.

"આ રક્તપીતણીનેય સંસાર કેવો ગળે વળગી રહેલ છે !" પ્રેક્ષકોએ કુદરતની કરામતમાં અચંબો અનુભવ્યો.

તમામ સામૈયું રત્નેશ્વરના ઊંચા ભાઠા ઉપર પહોંચ્યું. ભાઠો બરાબર રત્નેશ્વરના ભોંયરાની ઉપર ઊંચે ટેકરો છે. સુખી સહેલગાહી જનોને એ ઊંચા પૃથ્વીબિંદુ ઉપરથી સમુદ્ર