પૃષ્ઠ:Puratan Jyot.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
પુરાતન જ્યોત
 

બુમરાણ મચી ગયું. ખીજે ભરાયેલો દરિયાવ પોતાની લાખ લાખ ફેણો પછાડીને ફૂંફાડા મારતો હતો.

પૂજારી બોલી ઊઠ્યોઃ “પધરાવો અંદર, નીકર ડાકણ સહુને વળગી જાણજો. રત્નાકરનો ભક્ષ છે, ભાઈ ઓ !”

ન ફરીથી બધા એને તગડીને ટોચ ઉપર લઈ ગયા. બરાબર તે જ વખતે રેતીના પણ્યાની પછવાડેથી એક માણસ દોડતો આવતો હતો ને પોકારતો હતો કે —

“ઘડીક ઊભા રે'જો. ઘડીક રોકાઈ જજો.”

“ઊભા રહો, થોડી વાર થંભી જાઓ !” એ અવાજ કાને પડતાં જ પુરોહિતને ધાસ્તી લાગી. રત્નાકરને બલિદાન નહીં ચડે તે પોતાનું ને ગામનું નિકંદન નીકળી જશે : નક્કી કોઈ આ પવિત્ર કાર્યમાં વિઘ્ન નાખવા આવી રહેલ છે.

“ઊભા રહો !”નો સાદ નજીક આવ્યો. સાદ પાડનાર માનવી દરિયાકાંઠાની ઝીણી લોટ જેવી રેતીના પણ્યમાં પછડાતો આવતો હતો. આ વખતે એણે પછડાટી ખાધી, કે તત્કાલ પુરોહિતે ભાઠા ઉપર દોટ દીધી. બીજાં સહુ માણસો સ્તબ્ધ બની ઊભાં હતાં તેની સામે લાલ આંખ બતાવતા પૂજારી ભાઠાની ટોચ ઉપર પહોંચ્યો.

ડોશીનું દયામણું મોં એની સામે તાકી રહ્યું હતું. પણ એ મોં ઉપર દયાના ભાવ ઊઠી જ શી રીતે શકે ? રક્તપિત્તના રોગે મનુષ્યના મુખને, સ્ત્રીના મુખનો સ્વચ્છ અરીસો છૂંદી નાખ્યો હતો.

ડોશીએ બે હાથ જોડવા પ્રયત્ન કર્યો, પણ એની આંગળીઓ ખવાઈ ગઈ હતી તેથી એની હાથજોડ પણ ભયાનક લાગી. એણે કહ્યું : “બાપુ, પૂજારી બાપા, મને જીવવા દ્યો. મારાથી રત્નાકરનું રૂપ અત્યારે જોયું જાતું નથી. બહુ ભયાનક ! બહુ ભયાનક ! મને જીવવા દ્યો. મારા લાલિયાને જોવા માટે