પૃષ્ઠ:Puratan Jyot.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
પુરાતન જ્યોત
 

કિનારે ધકેલવા માંડી.

ભાઠા ઉપર ઊભેલ આદમી કાંઠે કાંઠે દોડ્યો. એના મોં ઉપર આશા અને આસ્થાનું તેજ ચમકતું થયું. એણે દરિયાની અનંત નીલિમા સામે હાથ જોડીને આરજૂ ગુજારી કે, “હે મહેરામણ ! જીવતું માનવી પાછું પૃથ્વીને દઈ દે. ધરતીએ તારું કાંઈ બગાડ્યું નથી. ને ઓ રત્નાકર ! તારા નામનાં તો અમે અહીં ધરતી ઉપર બિરદ આપીએ છીએ. અમે મોટા મનનાં મનુષ્યોને સાગરપેટો કહીએ છીએ. તું અગાધ દિલનો હો તો આ મનુષ્યને પાછું સોંપ. હે દાદા !”

બોલતો બોલતો એ કાંઠે કાંઠે દોડતો હતો. થોડી જ વારમાં એક મોજું બથેશ્વરની સપાટ રેત ઉપર આવીને ડોશીના દેહને શાંતિથી પધરાવી પાછું વળ્યું.

આદમીએ ડોશીને લાલ મડદાલના લીલા વેલા ઉપર સુવરાવી દીધી, એના બે પગ પકડીને ઊંધે મસ્તકે ઝાલી રાખી ડોશીના મોંમાંથી પાણી નીકળી પડ્યું.

પછી એણે ડોશીના હાથ ઝાલીને ચક્કર ચક્કર હલાવવા માંડ્યા. થોડી વારે ડોશીનો બેભાન દેહ સચેતન બન્યો. આંખો ખોલીને એણે પોતાના ઉગારનાર તરફ જોયું ત્યારે જ એ આદમીને ડોશીના પ્રેત સ્વરૂપની પૂરેપૂરી જાણ પડી.

એકાએક દૂરથી આ અજાણ્યા માણસને સ્વર સંભળાયો : "મચ્છી ! મચ્છી ! મચ્છી !”

અવાજની પછવાડે જ બંદૂકધારી બેચાર માણસો આવી પહોંચ્યા. એમનો પોશાક યુરોપી હતો. એમના ચહેરા ગોરા હતા.

એ ફિરંગીઓ હતા. કળસારની નજીક આજે પણ દરિયાની અંદરથી પાણી આવવાની સાંકડી સુકાયેલી નાળ્યો દેખાય છે, ને એ નાળ્યો ને ભેખડો ઉપર આજે પણ પાકી કોઈ