પૃષ્ઠ:Puratan Jyot.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
પુરાતન જ્યોત
 


ગામડિયા ભાવિકો હતા. છતાં તેમનાં મન પણ સુગવાતાં હતાં. શરમના માર્યા ઊભા રહ્યા, પણ મોં ફેરવીને છાનામાના થૂંકી લેતા. જરા દૂર જઈને વાત પણ કરી લીધી કે, “ભગત જેવો ભગત થઈને લોહી પરુ ચૂંથવાની લતે શીદ ચડ્યો હશે ! ઈશ્વરભજનમાં આત્મા લીન નથી થયો લાગતો. જગ્યાધારી બન્યો પણ સા'યબી માણતાં આવડવી જોઈએ ને ભાઈ?”

“ભાવિકો !” દેવીદાસે મધુર વચને પૂછ્યું : “કોઈ ગાડાનો બંદોબસ્ત થઈ શકશે?"

"ગાડું !” ભાવિકોમાંથી એક જણે કહ્યું : "ગાડું તો અહીં અંતરિયાળ ક્યાંથી મળે મા'રાજ !”

"ને આ બાબતમાં ગાડું આપેય કોણ?” બીજાએ સત્ય સુઝાડ્યું.

"ત્યારે કાંઈ ખાટલાની જોગવાઈ કરશું ?” સંતે પૂછ્યું.

“હા, કરીએ તમે કહેતા હો તો. પણ—માળું—ઈ બધું અહીં—આ બંધો !....”

એમ ભાવિકોની જીભો તૂટક તૂટક શબ્દોમાં એક ખાટલો લાવવાની ગહન સમસ્યા ઉપર તાર્કિક ચર્ચા ચલાવવા લાગી.

"ત્યારે ભાવિકો ! આપણે એકાદ પછેડીની ઝોળી જ કરીએ તો કેમ ?”

"હા — ઈ ઠીક ! અરે ભાણા પટેલ, તમારી પછેડી લાવજો તો ! કોઈએ એક ખેડૂતને આવી સખાવતનો અગ્ર અધિકારી ઠરાવ્યો.

“મારી પછેડી તો ભાઈ, ફાટી ગઈ છે. ભાર નહીં ખમે.”

એમ સહુએ પોતાપોતાની પછેડીની નિખાલસ નિંદા કરી નાખી.

"કાંઈ હરકત નહીં ભાવિકો !” કહેતાં જ દેવીદાસે પોતાની