પૃષ્ઠ:Puratan Jyot.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૧૭
 

કમ્મર પરથી પનિચું છોડ્યું. જમીન પર પાથર્યું. રક્તપીતણીને એમાં હળવે હાથે સુવરાવીને કહ્યું:

“ભાવિકો, હવે ચાર સરખા જણ આવી જાઓ. અક્કેક ખૂણો ઊંચકી લ્યો.”

ભાવિકોએ ફરીથી એકબીજાની સામે જોયું. આંખના મિચકારા કરવા માંડ્યા. તૂટકતૂટક બોલ સંભળાયા, કે –

"મને તો ભઈ, ત્રણ દીથી હાડકચર રે' છે.”

“મારા પેટમાં તો બરલ વધી છે, તે પેમલા વાણંદે કાંઈ બોજ ઉપાડવાની ના કહી છે.”

"મારાં તો આંગળાં છોલાણા છે."

આવી ગળગળ વાતને અંતે એક ચોખાબોલો ભાવિક બહાર પડ્યો. એણે કહ્યું: “દેવીદાસ બાપુ, આ બધા નાહક ગોટા વાળે છે. ત્યારે હું તમને પાધરું કહી દઉં. તમે સાધુ થઈને આ નરક ચુંથો એ અમને નથી ગમતું. ને આ ડોશીને જિવાડીને તમારે કયે મોટો ગઢ પાડવો છે? નાહક રત્નાગરને શીદ છંછેડો છો? અમને આવી ખબર હોત કે તમે અમારું સાચા દિલનું સામૈયું રઝળતું મેલીને કોઈના કહેવા પરથી આ ડેશીને બચાવવા દોડ્યા જશો, તો અમે તમને અમારા ગામમાં પધરામણી જ દેત નહીં. ને આ રક્તપીતના હડકાયા રોગને અમારે અમારા ગામમાં નથી તેડી જવો. તમને ઠીક પડે તેમ કરો. અમે તો ગામડે જઈને બધી વાત કહી દઈએ છીએ.”

"ભલે ત્યારે, ભાવિકો, પધારો. કલ્યાણ થાઓ સહુનું.”

“ચાલો ભાઈ સહુ.” એમ કહીને એ સ્પષ્ટવક્તા માણસે સહુને પાછા વાળ્યા.

એકલા રહેલા દેવીદાસે પછેડીના બે છેડા બાંધી લીધા. પોતાના બેઉ ખભા ઉપર ઝોળી પરાવી લીધી. અને પીઠ ઉપર