પૃષ્ઠ:Puratan Jyot.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૧૯
 

"કોણ જાણે, અમરબાઈને સાસરે તે કેવુંય સુખ મળવાનું હશે !”

“સુખસા'યબી છે એ વાત તો સાચી. અમારી જાણની જ વાત છે. એની સાસુ તો પેટે અવતાર લઈએ એવી. ને જુવાન પણ ભારી રંગીલો.”

“અમે દીઠેલો ને ! આંહીં આવેલો ત્યારે આંખોમાંથી શાં અમી ઝરે ઈ તો !”

"બસ બાઈ, કે’નારા કહી રિયા તે પછી અમરબાઈ સાસરે જાતાં શા સારુ રોવે ?”

"રોવે નહીં ! શું બોલો છો તમે !”

“પણ રોવું આવે નહીં ને !”

"તોય રેવું જોવે. ગલઢાંએ કરી મૂક્યું છે. કોઈ કરતાં કોઈ છોકરી મોટે રાગે રોયા વિના મહિયરનું પાદર છોડે છે કે દી?”

“અરે, મારી હીરબાઈ ગઈ ત્યારે કેવા સાદ કાઢીને મારી છાતીએ ઢળીને રાઈ'તી ! જાણો છો ને ફુઈજી?”

"અરે બાઈ ! અમારાં ટાણાંમાં અમારાં રોણાં કેવાં હતાં એની શી વાત કરીએ? ઈ તો ટાણાં જ ગયાં ને ! ઈ વેળાયું ને ઈ વાતું !”

એવા વાર્તાલાપના ધ્વનિ-પ્રતિધ્વનિ પણ જ્યારે પાદરનાં ઝાડવાંની ઘટા નીચેથી વિલય પામી ગયા, ત્યારે અમરબાઈનું ઓઝાણું બેક કોસનો પંથ કાપી ચૂક્યું હતું. ગ્રામવધૂઓની ફરિયાદ સોએ સે ટકા સાચી હતી કે સાસરે જતી અમરબાઈ નહોતી રડી – સાચું કે જૂઠું એકેય જાતનું એ નહોતી રડી શકી. ને તેના પરિણામે અમરબાઈની માતાને ઘણું ઓછું આવ્યું હતું. પોતાની દીકરીને સ્વર્ગની સુખસમૃદ્ધિ વાંછનારી માતા પણ એટલી ઈર્ષ્યાળુ તો બેલાશક હોય છે, કે પુત્રી તરફના માતૃ-સ્નેહના