પૃષ્ઠ:Puratan Jyot.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
પુરાતન જ્યોત
 

એકાદ આંસુ-ઊભરાની અને ગામભાગોળ ગજવતા એકાદ ઉચ્ચ સુરીલા આક્રંદની અપેક્ષા તો એ રાખે જ રાખે.

માવતરને સંભારી સંભારી આંસુ સારવાને બદલે ૧૯-૨૦ વર્ષની દીકરી અમરબાઈ ત્યારે લહેરમાં હતી. એનું અંતઃકરણ વે'લડાના વઢિયારા બળદની ઝડપને પણ નહોતું સાંખી શકતું. એની ભરાવદાર છાતી વેલડાની ગતિને તાલ દેતી ઉછાળા મારતી હતી. એના જોબનમાં કેવડાની ફોરમ હતી. નાઘેરનાં સભર નીરમાં પાંગરેલી કેળને નિહાળી હોય, તો તમે અમરબાઈના એ દિવસના યૌવનનો મર્મ બરાબર પારખી શકો.

“કેમ તું મારા સામે ને સામે તાકી રહી છે બેટા ?” વેલડામાં બેઠેલી બીજી આધેડ સ્ત્રીએ એને પૂછ્યું. એ અમરબાઈનાં સાસુ હતાં.

“હું શું જોઈ રહી છું એની મને પોતાને જ ખબર નથી, ફુઈ!” અમરબાઈએ જવાબ દીધો.

સંભવ છે કે પોતાના મનોભાવને પોતે જ ન પિછાની શકનાર અનેક આત્માલુબ્ધોની પેઠે અમરબાઈને પોતાની ઊર્મિઓની પરખ ન પડી હોય. પણ આપણે કલ્પી શકીએ કે અમરબાઈ સાસુના ચહેરામોરામાંથી પોતાના સ્વામીની મુખમુદ્રાને મીંડવતી હતી. સાસુની અક્કેક રેખા ઉઠાવીને એ પતિની અણસાર ઘડતી હતી.

એમ કરતાં અમરબાઈ ઝોલાં ખાવા લાગી. સાસુએ એને પોતાના ખેાળા તરફ ખેંચીને કહ્યું : “આંહી આવ, મારા ફૂલ ! આંહીં આવ. મારા ખોળામાં એક નીંદર કરી લે ત્યાં હમણાં જ આપણે દત્તાત્રયને ધૂણે પોગી જશું.”

અમરબાઈ એ અતિ ઉ૯લાસભેર સાસુના ખોળા પર માથું ઢાળી દીધું. સાસુના શરીરમાં એક બીજા દેહની છાયા છુપાઈ હતી. તેનો સ્પર્શ કલ્પતી અમરબાઈ નવીન રોમાંચ અનુભવી રહી.