પૃષ્ઠ:Puratan Jyot.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
પુરાતન જ્યોત
 

આળોટું, તો તમારો લાલિયો ન કહેવાઉં હું મા? જોજો ને, તમે સાજાં થાવ કે તરત જ હું તમારા ખોળામાં સૂઈશ. જોજો ને પછી લાલિયાની માફક જ તોતડી બોલી કરીશ. પછી કાંઈ કહેવું છે મા ?”

ધાસ્તી અને ગભરાટનાં વાદળાં અમરબાઈના હૃદય ઉપરથી ઊડી ગયાં : આગના ભડકા કરતાંયે વધુ વિકરાળ એક રોગની સાથે અમરબાઈ એ એક જીવતા માનવીને ગેલ કરતો જોયો.

ડોશી પોતાની સારવાર કરનારને ચેતવતી હતી : “અરે દીકરા, તારી ફૂલેલ કાયાનું શું થશે ?”

"હેં મા ! કહો જોઉં, તમારી જુવાનીમાં તમારી કાયા કેવી હતી?”

“અરે બેટા, બબે હેલ્યે હું વાવનાં પાણી ભરતી. મને ગામલોક હોથલ પદમણીનો અવતાર માનતા.”

"ત્યારે બસ ! મા ! તમામ દેહીના એ જ હવાલ છે. જુવાનીના મદ ક્યારે ગંધાઈ ઊઠશે એની કોને ખબર છે ? માનવદેહને તો રોમે રોમે રોગ ભર્યા છે; એને હું કયાં સુધી દાટી રાખીશ !” કહેતા કહેતા દેવીદાસ ડેાશીના શરીરને લૂછતા હતા. લુછેલા દેહ ઉપર નવેસર રક્તની રસીના ટશિયા ઊઠતા હતા.

"ને હું તો એ જ વિચારી રહ્યો છું મા, કે સ્ત્રીનો દેહ શી શી નરકવેદના સહે છે ! સ્ત્રીના શરીરને ચૂંથાવાનું – ચૂંથાવાનું – અરે ભોગની ભરપૂર મોજ મંડાતાંની ઘડીથી જ સ્ત્રીના ખોળિયાને ટીપે ટીપે ખપી જવાનું. હું પુરુષ તમને ધોઉં છું ત્યારે મા, મને એમ જ લાગે છે કે હું અમારી પુરુષજાતનાં પાપ ધોઉં છું.”

એવા એવા બોલનું વશીકરણ અનુભવતી અમરબાઈને બહારના જગતનું કંઈક એવું વિસ્મરણ થયું, કે પોતે એ