પૃષ્ઠ:Puratan Jyot.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૨૭
 

પડી હતી. એ પોતાનાં કાંડાંમાંથી સોને મઢેલી ચૂડલીઓ ઉતારવા લાગી હતી. થોડી વાર થઈ ત્યાં એની સન્મુખ ચૂડલીઓની, કાનની વાળીઓ તથા નાકની ચૂકની, કપાળ પરથી સોનાની પાંદડીઓની ને પગના અણવટ-વીંછિયાની ઢગલીઓ થઈ ગઈ.

"બોન !” દેવીદાસ ઊંધું સમજ્યા હતા : “આ જગ્યામાં એવું દાન અમે નથી લેતા. નાહક ન ઉતારો. અને કોઈને વરદાન વેચતા નથી. આશીર્વાદ તો મારા છે જ બેટા, કે પુત્રની જનેતા થા. હું તારા દુઃખની વાત ઉકેલી શકતો નથી. પણ દુનિયા ઝંખે છે, તેમ તુંય ઝંખતી હઈશ. . ..”

અમરબાઈના મોં ઉપર શરમ અને આત્મધિક્કારનું રુધિર ધમપછાડા કરતું હતું. ધીરે ધીરે એનાં નેત્રોમાંથી પાણી તબક્યાં.

દેવીદાસ ઊઠ્યા. દીવાલની ખીંટી પર એકતારો લટકતો હતો. પિતા પુત્રને લે તે રીતે એકતારાને ખોળામાં બેસારી દેવીદાસે બીજા હાથમાં મંજીરા વીંટાળ્યા. ઘેરા અને ગંભીર સ્વરે એણે ભજન ઉપાડ્યું :

ગોધન હાલ્યાં જાય,
આ નવલખ તારાસૂરજ કેરાં
ગોધન હાલ્યાં જાય.
એકલ ધરતી ઊભી ભાંભરે
વાછરડાં ખવાય.
સુનમાં ધરતી શોધ કરે રે
વાછરડાં ખોવાય.
પ્રથમીનાં વાછરડાં ખવાય,
માતનાં બાળકડાં ખોવાય.