પૃષ્ઠ:Puratan Jyot.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૨૯
 

તો જ્વાલાઓનો જ દીઠો : “આ શું માંડ્યું છે તમે મા'રાજ ?” એટલું બોલીને સાસુ અમરબાઈ તરફ ફરી. “અમર," એણે કરડો અવાજ કાઢ્યો : “માથું તો ઢાંક ! તારો ધણી આવીને ઊભો છે તેટલું તો વિચાર.”

અમરબાઈ સાસુની સામે જોઈને હસવા લાગી.

"ને આ દાગીના કેમ ઉતાર્યા છે વેરાગણ?”

સાસુના એ સખ્ત પ્રશ્નનો ઉત્તર પણ અમરબાઈએ હસીને આપ્યો:

"મા, તમને સોંપવા માટે જ."

"મા મા કોને કરછ? ને સોંપવા છે શા સારુ ?"

"મા, મારા અંતરમાંના તમામ બોલ એક જ બોલમાં સમાઈ ગયા છે. મને મારી મા — મારી ધરતીમાતા ગોતે છે. ગોવાળ મને લેવા આવ્યા છે.”

"આ તને શું થઈ ગયું ?” કહીને સાસુએ અમરબાઈનું શિર ઢંઢળ્યું. “તમે આ શું કરી નાખ્યું દેવીદાસજી ?”

"કાંઈ નહીં મા ! હુંય નથી સમજી શકતો કે આ શું થઈ ગયું. આ તમારી દીકરા-વહુ છે મા?"

“આઈ” દૂરથી બૂમ પડી. એ બૂમ અમરબાઈના વરની હતી : “તમે ત્યાંથી ખસી જાવ. હું એ વેરાગણને અને આ ત્યાગીને પાધરાંદોર કરું છું.”

અમરબાઈએ આ વચનો ઉચ્ચારનારની સામે મીટ માંડી. એણે કહ્યું: “આવા રૂડા મોઢામાં એવા બોલ ન સામે આયર ! ને મારો વાંક તો એટલો બધો વળી ગયો કે હવે હું પાધરી નહીં થઈ શકું. લ્યો આયર, આ તમારા શણગાર; સુખેથી બીજે ચડાવજો.”

નાકની ચૂંક અને સૌભાગ્યની બે ચૂડીઓ અમરબાઈએ જુદી પાડીને પોતાના પતિની સામે ધરી.