પૃષ્ઠ:Puratan Jyot.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
પુરાતન જ્યોત
 

 “અરે ઊઠ ઊઠ હવે ભગતડી !” કહીને જુવાને અમરબાઈના છૂટી ગયેલ ચોટલાના કેશ ખેંચ્યા.

"હા, હા, એ ચોટલો પણ તમારો ખરો હો આયર ! લાવો છરી.” કહીને અમરબાઈએ જુવાનના કમરબંધમાંથી છરી ખેંચી લીધી. એ છરીથી પોતે પોતાનો ચોટલો કાપવા લાગી.

સાસુ અને પતિ: અમરબાઈની નજરમાં દુનિયાનાં એ સુંદરમાં સુંદર માનવીઓઃ એ બેઉનાં રૂપ આટલાં બધાં બગડી ગયાં છે કે અમરબાઈને પહેલી જ વાર જ્ઞાન મળ્યું. જ્ઞાન એ મળ્યું કે બેઉનો સ્નેહ, એ ફક્ત માલિકીનો સ્નેહ હતો. થોડી વાર પહેલાં મને ખોળામાં સુવાડનારી વત્સલ સાસુ અત્યારે મને ગળાટૂંપો દેવાનો હોય તો દેવા તૈયાર છે ! થોડી વાર પહેલાં મને ઝંખતો દોડ્યો આવેલ જુવાન મારા ખોળિયાને આ રક્તપિત્તના ચેપમાંથી બચાવવા માગતો હતો તે તો આ શરીર પોતાને ભોગ ભોગવવાનું સાધન હતું તેટલા સારુ જ ને ! હું અમરબાઈ તરીકે અને દુનિયાના એક માનવી તરીકે તે પ્રેમ કરવા લાયક નહોતી, ખરું ને?

ચમકતી વીજળીના સળાવા જેવા આ વિચારોએ અમરબાઈને વિશેષ દ્રઢ કરી. એણે પોતાની ચુદડી ખેંચવા માંડી.

"કજાત ! બસ થયું કજાત !” કહેતાં, આ નફટાઈ ન જોઈ શકાયાથી મા ને પુત્ર મોઢું ફેરવી ગયાં. પુત્રે કહ્યું : "મા, ભલે રહી એ આ બાવાને; હવે તો એ ઊતરેલ ધાનનું હાંડલું છે.”

વેગીલે પગલે એ જગ્યાની બહાર નીકળી ગયો. સાસુ પણ 'તને મૂઈ સમજું છું' એટલા બોલ બોલી છાતી પર ત્રણ વાર હાય, હાય હાય, એ શબ્દ હાથ પટકતી બહાર નીકળી ગઈ.

થોડી વાર પછી જગ્યાનાં ઝાડની ઘટામાં લલ્કડખોદ પક્ષીના