પૃષ્ઠ:Puratan Jyot.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૩૧
 

ઠકઠકાટ સિવાય બીજો કઈ બોલાશ નહોતો રહ્યો.

દેવીદાસ હજુ વિમાસણમાં મગ્ન હતા. અમરબાઈ હજુ એ ને એ હાલમાં બેઠી હતી. દેવીદાસે એક જ વચને કહ્યું :

"મા, આ તે શું કર્યું ?”

"સંતજી, મેં શોધી લીધું, કે માનવીને રોમે રોમે રક્તપીત ગંધાય છે."*[૧]


[૬]

લાંબી વાર સુધી બેઉ જણાં ચુપચાપ બેસી રહ્યાં. દેવીદાસે જોયું કે અમરબાઈની દ્રષ્ટિ ધરતી સામે સ્થિરતાથી મંડાઈ ગઈ હતી. ભયનું તે એના રૂંવાડામાં પણ કોઈ નામનિશાન નહોતું.

આખરે દેવીદાસ ઊઠ્યા ને એમણે ઝોળી લઈ જોડા પહેર્યાં.

"મને કાંઈ સતવચન સંભળાવશો?” અમરબાઈએ પહેલી વાર પ્રશ્ન કર્યો.

જવાબમાં એ સાદા પુરુષે સાદી વાણી સંભળાવી : “શું સંભળાવું બાઈ ! શાસ્તર હું ભણ્યો નથી. હુંય રઝળતો રખડતો આવ્યો છું. એક વાત જાણું છું કે હું રબારી છું. આયરો ને


  1. *લોકકથા તો એટલું જ ભાખે છે કે રક્તપતિયાની સેવા કરનારી આ જગ્યામાં અમરબાઈ આહીરાણીએ, સાસરે જતાં જતાં કોણ જાણે શો પ્રભાવ અનુભવ્યો કે વસ્ત્રાભરણો ઉતારીને સદાનું રોકાણ સ્વીકાર્યું. અમરબાઈનું આવું પગલું, કોઈ સેવાધર્મની લગનીથી બનેલા હૃદયપરિવર્તનનું પરિણામ હતું કે સાસરવાસીના કોઈ અસહ્ય કલહજ્ઞાનથી ઊગરવાની ઇચ્છાનું પરિણામ હતું, તે વિશે લેકકથા ચૂપ જ રહે છે. અહીં જે રીતનું પરિવર્તન આલેખવામાં આવ્યું છે તે માટે આલેખનાર પોતે જવાબદાર છે. મુદ્દાની વાત તો એક જ છે, કે સોરઠના મધ્યયુગી ઇતિહાસમાં એક બાજુ જ્યારે દરરોજ છેક કાશીથી મગાવવામાં આવતા ગંગાજળે જ શિવસ્નાન કરાવનારા આભડછટિયાં તીર્થસ્થાનો હતાં, ત્યારે બીજી બાજુ રક્તપીતિયાંને સંઘરનારા સાધનહીન લોકસેવકો ખૂણેખાંચરે બેઠેલા હતા. ને વધુ ચોટદાર વાત તો એ છે કે આવી જીવલેણ દીનસેવાનાં વ્રતો લેનાર એક ભરજુવાન આહીર સ્ત્રી હતી.