પૃષ્ઠ:Puratan Jyot.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
પુરાતન જ્યોત
 

રબારી આદુ કાળથી ગોધન ચારતાં આવેલ છે. તાજાં જણેલા વાછરુને, થાક્યા પાક્યા વાછરુને અને રોગી વાછરુને ગોવાળ ખંભે નાખી ઘેરે લાવે છે. એ જ ધંધો હું અહીં કરી રહેલ છું. રબારીને એ ભગવાને ભળાવ્યો કસબ છે બાઈ ! મને ઢોર ચારનારાને બીજી કશી જ ગતાગમ નથી. વધુ શું સંભળાવું? મેં જ કદી સતવચન સાંભળ્યાં નથી ને !"

ઝોળી ખંભે લટકાવીને દરવાજા સુધી ગયા પછી પોતાને કશુંક સાંભર્યું. પાછા ફરીને એણે અમરબાઈને કહ્યું : “બેન, એક વચન માગી લઉં છું.”

“શું ?”

“સાંજે હું રામરોટલા ભીખીને પાછા આવું, ત્યાં સુધી તું આ જગ્યામાં બીજું બધું કામ કરજે, ગા દોજે, પાણી ભરજે, વાસીદું કરજે, પણ કઈ રોગીને અડીશ નહીં.”

"કારણ?"

"કારણ હું તને આવીને સમજાવીશ.”

મોટી ડાફ ભરતા દેવીદાસ ચાલ્યા. મધ્યાહ્‌નની અણી ઉપરથી સૂરજ સહેજ આથમણા ઝૂક્યો હતો. તીરછાં થવા લાગેલાં એનાં વૈશાખી કિરણ કુટિલ માણસની ત્રાંસી નજરની પેઠે વધુ ને વધુ દાઝથી આગ ફેંકતાં હતાં. ચારે દિશાનાં ગામડાં ફરતી લૂ વીંટળાઈ ગઈ હતી. એક બિન્દુ પણ પાણી વગરની એ સોરઠી ધરતી ઉપર ઝાંઝવાનાં મોટાં સરોવરો લહેરાતાં હતાં, ને સરોવરોમાં મહાન અલકાનગરીઓના મિનારા, ઘુમ્મટો ને અટારીઓ કોણ જાણે ક્યા ભૂતકાળમાંથી પોતાના પડછાયા પાડતાં હતાં.

ગરમ લુની થપાટો ખાતા દેવીદાસે એક ગામ ભીખ્યું. બીજું ગામ ભીખ્યું. ત્રીજું ભીખ્યું. પણ ગામડાં નાનકડાં, વસ્તી ખેતરોમાં, ઉપરાંત દેવીદાસનો એાછાયો લેતાંય હવે તો લોક