પૃષ્ઠ:Puratan Jyot.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૩૩
 

ડરતાં, એટલે એની ઝોળી હજુ વધુ ભાર બતાવતી નહોતી. સાંજ પડી ત્યાં લગભગ બારેક ગાઉન પંથ એણે ખેંચી નાખ્યો. સાંજે એણે 'જગ્યા'માં પગ મૂકી 'સત્ દત્તાત્રય'નો સખુન ઉચ્ચાર્યો ત્યારે દીવાની વાટ ચેતી ગઈ હતી. દીવો કરનારા હાથ અમરબાઈના હતા.

"આજ તો સરખી જ્યોતે જગ્યાનો દીવો જલે છે.” દેવીદાસે હાથપગની ધૂળ ધૂતાં ને મોં પર ઝીંકાયેલી લૂને ટાઢક કરતાં કરતાં કહ્યું :

“અમરબાઈ! દીકરી !” દેવીદાસે પંગત બિછાવતાં બિછાવતાં કહ્યું : “બહાર ત્રણ વાર સાદ નાખી આવીશ? કોઈ મુસાફર, વટેમાર્ગુ, અભ્યાગત, ભૂખ્યું દુખ્યું કોઈ હોય તો કહો કે આવી જાઓ ભાઈ રામરાટી જમવા.”

દસબાર રઝળુ બાવાસાધુઓ અમરબાઈને બોલે હાજર થયા. 'જય રામજીકી'ની ઘોષણા થઈ રહી. 'બડા ભગત હે દેવીદાસ ! બડા સાધુસેવક હે ! ભેખમેં તલ્લીન હો ગયા હે' એવા એવા ધન્યવાદ તેઓ બોલતા હતા.

ત્યાં તો પાછલી પરસાળમાંથી દેવીદાસ દેખાયા. એમની જોડે પાંચેક બીજાં અતિથિઓ હતાં. કોઈની આંગળીઓ ખવાઈ ગયેલી, કોઈના પગ લંગડા, કોઈની આંખને સ્થાને ખાડા જ રહ્યા હતા.

પાંચને દેવીદાસે એક જ પંગતમાં સૌની જોડે બેસાર્યા.

"અમરબાઈ ! બાપ, તું બહાર બેસીને રામરોટીના ટુકડા નોખનોખા પાડી નાખીશ ?”

એમ કહીને એણે બહાર જઈ એક વસ્ત્ર ઉપર ઝોળી ઠાલવી નાખી. બન્ને જણાએ રોટલીનાં બટકાં, રોટલાનાં બટકાં, ખીચડીના લોંદા, શાકનાં ફોડવાં વગેરેની અલગ અલગ ઢગલીઓ પાડી.