પૃષ્ઠ:Puratan Jyot.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
પુરાતન જ્યોત
 

બની હતી. બગેશ્વરના શિવલિંગની સામે દરરોજ એક પગે ઊભા રહીને એ દશ માળા ફેરવતો હતો. મહાશિવરાત્રિની શિવયાત્રામાં, શિવની પાલખીની આગળ આળગોટિયાં ખાતો ખાતો આખી વાટ મજલ કરતો.

ભિક્ષાની ટહેલ નાખતી અમરબાઈ કોઈ કોઈ વાર બગેશ્વર સુધી આવવા લાગી. પરબ-વાવડીના સ્થાનક ઉપર આશ્રિતોની ભીડ વધતી જતી હતી. સહુને પેટે ધાન પૂરવા માટે અમરબાઈનો ભિક્ષાપંથ લંબાયે જતો હતે. દત્તાત્રેયના ધૂણાથી બગેશ્વર દસ ગાઉ હતું.

વગડા ખેડતી કેટલીક સ્ત્રીઓએ અને ગોવાળાએ એને ચેતાવેલાં કે, 'માતાજી, ભલાં થઈને એ દિશામાં જતાં નહીં. ત્યાં સ્ત્રીનું રૂપ રોળાયા વિના રહેતું નથી. વળી ત્યાં જનોઈ વાળાઓનું અને કંઠીવાળાઓનું જોર છે.'

'મને, ધરમની ગવતરીને કોણ છેડવાનો છે? એવું સમજીને અમરબાઈ નિર્ભય ભમતી હતી. પણ બગેશ્વરના કાઠીઓ વિશે એણે બહુ બહુ વાત જાણી તે પછી એનું દિલ થરથરતું હતું.

પણ દિલ તો ઘોડા જેવું છે. એક વાર જ્યાં ચમકીને એ અટકે છે, ત્યાં એ સદાય અટકે; માટે ડાહ્યો ચાબુક-સવાર પોતાના પ્રાણીની ચમક પહેલે જ ઝપાટે ભાંગી નાખે છે.

અમરબાઈના આત્માએ પણ ચમકતા કલેજા ઉપર આગ્રહનો ચાબુક ફટકાવ્યો. એક દિવસની સાંજે બગેશ્વરની શેરીઓમાં 'સત દેવીદાસ'નો સખુન ગુંજી ઊઠ્યો. તે વખતે સૂર્ય આકાશની સીમમાંથી થાકી લોથ થઈ ક્ષિતિજની નીચે જતો હતો. સજ્જનની વિદાય પછી પણ પાછળ રહી જતી સુવાસ જેવી સૂર્યપ્રભા હજુ પૃથ્વી ઉપર ભભકતી હતી. થોડા જીવતરમાંય ઘણી ઘણી રમત રમી જનારી સંધ્યા પણ હવે તો