પૃષ્ઠ:Puratan Jyot.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૪૧
 

છેલ્લા શ્વાસ ભરતી હતી. તે વખતે બગેશ્વરનો પૂજારી બાવો દરબારની ડેલી તરફ ઝપાટાભેર ચાલ્યો. ને ત્યાં પહોંચી એણે લાલઘૂમ લેચનો ફાડી બગડેલી હિંદી વાણીમાં વરાળો કાઢી. કે, “કાઠી, તેરા સત્યાનાશ નિકલસે !”

"શા માટે ગુરુજી?”

"વો નકલી મીરાંબાઈને સારા ગાંવકો ધર્મભ્રષ્ટ કર દિયા. ઘર ઘર ભીખતી-ભીખતી વો અબ કહાં ચલી માલૂમ સે તૂંને ?”

“ક્યાં?"

"ચમારવાડેમેં, વહાંસે વો મુડદાલ માંસકી ભીખ લેસે.”

બગેશ્વરનો પૂજારી હજુ પૂરું બોલી નહોતો રહ્યો, કાઠી દરબારના મોં પરની રેખાઓ હજુ પૂરેપૂરી કરડાઈ ધારણ નહોતી કરી રહી, ત્યાં તો નજીકમાંથી અવાજ આવ્યો :

'સત દેવીદાસ !'

"વોહી ડાકિની !” પૂજારીએ ચમકીને કાન માંડ્યા. શબ્દ ફરી ફરી વાર આવ્યો: 'સત.... દેવીદાસ !'

માઢ-મેડીની બારીમાંથી કાઠીરાજે ડોકિયું કર્યું. જોગણને આવતી દેખી.

અંચળો નથી, ચીપિયો નથી, કાનમાં કડીઓ નથી, ડોકમાં કંંઠી નથી. માળા પણ નથી. ગેરુવા રંગમાં આછું રંગેલું એાઢણ સંસારીની અદબથી ધારણ કર્યું છે. ને માથા પર કાળા કોઈ વાસુકિનાં બચળાંને મળતાં વેંત વેંત ટૂંકાં લટૂરિયાં છે. પૂર્વે ત્યાં એક આણું વળીને પિયુઘેર જતી આહીરાણીનો ઘૂંટણે ઢળકતો ચોટલો હતો.

પૂજારી કાઠીરાજના ચહેરાને નિહાળતો હતો. એ ચહેરાની રેખાઓએ પહાડી ઝરણાઓના પ્રવાહોની સુંવાળી રસાળી બંકાઈ ધારણ કરવા માંડી હતી.