પૃષ્ઠ:Puratan Jyot.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
પુરાતન જ્યોત
 

“આ જાય ! હાંક્યે રાખો !” કહીને કાઠીરાજે ઘેાડીને જરાક ડચકારી.

બેઉ ઘોડીઓના ડાબલા ગીરકાંઠાની કાળી પોચી ભોમ ઉપર બોદા અવાજ કરતા હતા.

ફરીથી અવાજ એટલો ને એટલો આગળ સંભળાયો : 'સ . . . ત દેવીદા . . . સ !'

"હં, આ રહી. કરો ઝટ ભેળાં.” કહીને કાઠીરાજે ફરીથી ઘડીને ડચકારી. લગામને સહેજ જ ડોંચી. તેજીલી ઘોડીને પુરપાટ રેવાળની ચાલમાં નાખવાને માટે આટલે ઈશારો જ બસ હતો.

અંધકારમાં ઘેાડીઓ સન્મુખ, ડાબી ગમ ને જમણી બાજુ વારંવાર કાનોટી માંડીને તાકતી જતી હતી. ને ઘોડીની આંખની તાક પધોરે બન્ને અસવારો પણ પોતાની ઝીણી આંખને ખેંચતા હતા.

ડાબી બાજુએ સતવાળી નદીમાં દેડકાંની દુનિયા ગાનના જલસા કરી રહી હતી. તી ! તી ! તી! અવાજ કરતું કોઈ કોઈ બગલું એક ઠેકાણેથી ઊડી બીજે ઠેકાણે બેસતું હતું. માછલીઓ અંધારામાં રંગબેરંગી હીરા જેવી ઝગમગતી હતી. હૈયાનાં ઘાસનો કેડ્ય કેડ્ય સમાણો જથ્થો ડાકુઓના જૂથની જેમ નદીનાં નીરને દબાવી સૂનમૂન ઊભો હતો.

‘આ તે શું ?' કાઠીરાજને જીવનમાં બહુ થોડાં જ વિસ્મયો માંહેલું એક વિસ્મય થયું : 'આટલી બધી એના પગની ઝડપ ! ક્યારુની ઘેાડાં મોર્ય ચાલી જાય છે. દોડતી હશે શું? કે આડીઅવળી તરી ગઈ હશે ?'

જવાબમાં ધ્વનિ સંભળાય : 'સત દેવીદાસ !'

'આ રહી નજીક જ, એવા ઉલ્લાસમાં આવી જઈ અસવારે ઘોડીને દબાવી. ઘોડી રેવાળની ચાલમાંથી બાદડુકમાં ગઈ.