પૃષ્ઠ:Puratan Jyot.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૪૫
 

 અર્ધા ગાઉની એક દોટ પૂરી કરીને જ્યારે કાઠીરાજ શૂન્યમાં ઊભા થઈ રહ્યા ત્યારે પેલો અવાજ ખેતરવા જેટલે પછવાડેથી સંભળાયો: 'સત દેવીદાસ !'

'વાંસે વળી ક્યારુકની રોકાઈ ગઈ, ગો...!'

'ગોલકી’ શબ્દનો ઉચ્ચાર ફરી એક વાર અધૂરો રહ્યો.

અસવારો થંભ્યા, સારી પેઠે વાર થઈ. કોઈ જ નહોતું આવતું.

'ગઈ કયાં?'

એ પ્રશ્નનો ઉત્તર દેતો ધ્વનિ ફરીથી પાછો ખેતરવા આગળ જઈને ઊઠ્યો : 'સ...ત દેવીદાસ !'

અવાજની એ સંતાકૂકડીની રમત સારી પેઠે ચગી ગઈ, કાઠીના દિલમાં જે એક મધુરી અધીરાઈ જાગી હતી તે કડવી કડવી બની ગઈ. એને રોષ ચડ્યો. એ ચતુર વર્ણનો પુરુષ, દોંગાઈ જેને એક વિદ્યાની માફક વરી છે એવી, જગતનાં કાંઈક હાટ-બજારોમાં ભ્રમણ કરતી સોરઠ ધરામાં ઊતરેલી કાઠીજાતિનો એ જાયો, પહેલી વાર ભોંઠો પડ્યો. વધુ દાઝ તો એને એટલા માટે ચડી કે પોતાને થાપ આપનાર એક સ્ત્રી હતી, એક વેરાગણ હતી.

'મેલી વિદ્યાને સાધી હશે ગો ... એ ? પાંખો કરીને વિદ્યાધરીની જેમ ઊડતી હશે?'

ગુંદાળીધાર વટાવી. પીપળિયું પણ પાછળ મૂક્યું. ધીરો એક દીવો ટમટમ્યો, ને ફરી વાર ત્યાં ધ્વનિ થયો. પગના ધબકારા પણ બોલ્યા: 'ઓ જાય ! પણ આ તો એની જગ્યા આવી ગઈ ! બચી ગઈ.'

ઘોડીઓ જ્યારે જગ્યાની નજીક પહોંચી ત્યારે રસ્તાને કાંઠે એ ઊભી હતી. તારામંડળના તેજમાં એનો આકાર સ્વચ્છ દેખાયો. એણે મીઠો અવાજ કર્યોઃ “સત દેવીદાસ ! કોણ