પૃષ્ઠ:Puratan Jyot.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
પુરાતન જ્યોત
 


“જૂનેગઢ તેડી ગયા. તલવારુંવાળા દસક જણ આવ્યા'તા.”

કાઠીરાજ એ વખતે પરસાળ પર ચડતો હતો. એ પોતાના સાથી તરફ ફર્યો. એનો હાથ સહેજ એની ઝીણી મૂછો ઉપર ગયો.

દીવાની જ્યોતને કોઈ એ જાણે ચાબુક ફટકાર્યો હોય ને, તેવી રીતે એણે મરોડ લીધો.

અમરબાઈને આજે પહેલી જ રાત દેવીદાસ વિનાની હતી. એના હૃદયમાં પહેલી વાર એક ઊંડી ફાળ પડી. દેવીદાસ નથી, અને એક જોબનજોદ્ધ પરપુરુષ અહીં રાત રોકાશે. શું થશે?

નિત્યના નિયમ પ્રમાણે પંગત બિછાવીને વચ્ચેવચ અમરબાઈએ ઝોળી ઠાલવી, ત્યારે અતિથિઓએ ઝીણી નજરે એ અન્નની ખબર લીધી.

પણ એ ખબર અધૂરી હતી. અધૂરી માહિતીને અમરબાઈ એ આ રીતે પૂરી કરી. ઝોળીમાંથી એક એક રોટલો અને ધાનનો લોંદો સર્વ જમનારાને દેખાડતી દેખાડતી પોતે કહેતી હતી કે, “હારનાં બાળ ! આ રોટી રામપરના ગામોટ-ઘરની : આ રોટલો ઘંટિયાણ ગામના ભરવાડનો દીધેલઃ આ બગેશ્વરના ચમાર-ઘરનું બંટીનું ધાનઃ અને આ એક રોટલો —"

એણે રોટલાને ઊંચો કરી વધુ ચીવટથી તપાસ્યો.

"હરિનાં બાળ ! આ એક રાજદરબારી રોટલો છે. એમાં હું કીડા ખદબદતા દેખું છું. કારણ કે એ રોટલાની ઘડનારીને મેં આજ નજરે દેખી. એના એક લમણા ઉપરથી વાળ ચાલ્યા ગયા હતા. મેં પૂછ્યું કે 'આઈ લમણાની લટો ક્યાં?’ એણે કહ્યું કે 'બળી ગઈ.'

મેં પૂછ્યું, 'શી રીતે ?'

એ કહે કે, 'ચૂલે રોટલા કરતાં કરતાં !'