પૃષ્ઠ:Puratan Jyot.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૫૧
 

જેવા અંધકારમાં સપડાયું હતું. માત્ર થોડા તારાઓ જ કરોડો જોજન દૂરથી છૂપા હોઠ પટપટાવી જગતને સાનમાં કહેતા હતા કે “હિંમત હારીશ ના !”

અમરબાઈ એ ફક્ત એટલું કહ્યું કે, “સત દેવીદાસ !”

બહુ પ્રયત્ને એના ગળામાંથી આટલો સૂર નીકળ્યો. એ સૂર જાણે કે એનો સાથી બન્યો. અમરબાઈને તુરત એમ લાગ્યું કે અહીં કોઈક મારો મદદગાર છે, જેણે આ શબ્દોનો જવાબ દીવાલોમાંથી વાળ્યો. અંધારી સાંકડી ગલીમાંથી પસાર થતું માનવી ગાય છે, ગાઈને પોતાની એકલતા મિટાવે છે.

કોઈએ દઝાડ્યો હોય ને જાણે ! એવી દાઝ દાખવતો કાઠી પોતાના મોં પરનો મલકાટ સંકેલી લઈ સહેજ ઉગ્ર આંખે અમરબાઈ તરફ વધ્યો. એની ભુજાઓ આ એકલી સ્ત્રીના દેહ પ્રત્યે પહોળાયેલી હતી. એનાં જુલફાં મોંને ઢાંકતાં હતાં.

'સત દેવીદાસ! સત દેવીદાસ ! સત દેવીદાસ !” એને અક્કેક પગલે અમરબાઈ એ આ બોલ રટ્યા. એ બોલના ધ્વનિએ અતિથિને ઉશ્કેર્યો – બંદૂકમાંથી છૂટતી ગેળી વાઘને ઉશ્કેરે તે રીતે.

"બોલ મા એ બોલ,” એણે કહ્યું: “મારાથી એ સાંભળ્યા જાતા નથી. તું મારણના જાપ જપછ, એમ ને? મારો પ્રાણ નીકળી પડે છે, ખબર નથી પડતી? ખબર નથી પડતી? મારા માથામાં દુખાવો ઊપડ્યો છે. શૂળ પરોવાય છે. મને પડવા દે પથારીમાં.”

આવું આવું વિચિત્ર ભાષણ કરતો કરતો મહેમાન બિછાના પાસે પહોંચ્યો ત્યારે એ પોતાના શરીર પરનો કાબૂ ગુમાવી બેઠો હતો. એ ભફ દેતો બિછાનામાં પડ્યો. એણે પોતાનું માથું બે હાથમાં જકડી લીધું. હજુ તે હમણાં હસતું હતું એ જ મોં ઓચિંતાનું રિબાતું, ઓશિયાળું બની ગયું.