પૃષ્ઠ:Puratan Jyot.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
પુરાતન જ્યોત
 

અમરબાઈ એની સામે ચૂપચાપ ઊભેલી હતી. પડ્યાં પડયાં મહેમાને એને નિર્ભય ઊભેલી નિહાળી. એના હોઠ બિડાયેલા હતા. એની આંખમાં કોઈ જાતની અધીરાઈ નહતી.

“તું ભાગતી કેમ નથી ? તું હજુ મારી સામે ઊભવાની હિંમત શી રીતે રાખી રહી છે ?” માથામાં શૂળ ભોંકાતાં હતાં તેની અરેરાટી કરતાં કરતાં મહેમાને પૂછ્યું.

અમરબાઈ એ માત્ર માથું ધુણાવ્યું.

"તેં મને આ શું કરી મૂક્યું ?” મહેમાન કષ્ટાતો કષ્ટાતો કહેતો હતો. "માર્ગે મારાં ઘોડાને ભૂલાં પાડ્યાં તારા એ શબ્દે જ. અત્યારે મને આ દુખાવામાં નખાવ્યો એ પણ તારા આ શબ્દે જ.”

અમરબાઈને પહેલી જ વાર ખબર પડી કે પોતાની પછવાડે ઘેાડા દોડાવનાર બગેશ્વરનો કાઠીરાજ આ પોતે જ હતો. હવે એને સમજાયું કે 'સત દેવીદાસ'ના બોલોએ એના માથામાં શુળ શા કારણે પરોવ્યાં હતાં, જંગલમાં એ બીનો હતો તે જ વાતની અસર અત્યારે થઈ હતી.

“ભલી થઈને તારા મારણ જાપ પાછા વાળી લઈશ ?"

અમરબાઈ રોગીના એ શબ્દો સામે શાંતિથી હસી.


[૧૦]

વાડ્યની બહાર એ વખતે ચારેક ઘોડાઓના ડાબલાઓ પછડાયા.

ઝાંપા ઉપર ઘોડાં ખડાં રહ્યાં. અસવારોએ બહાર ઊભા ઊભા હાક મારી : ‘સત દેવીદાસ !'

“સત દેવીદાસ !” અમરબાઈનો સામો સૂર આ અતિથિગૃહમાંથી ઊઠ્યો.

“હવે હું જાઉં ?" મહેમાનની સામે જોઈ એણે રજા માગી.

"મને — મને —” કાઠીએ લાચારીભર્યા સ્વરે કશુંક કહેવા