પૃષ્ઠ:Puratan Jyot.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૫૯
 

મગાવ્યો છે.

એ વાતની લોકવાયકા બંધાઈ ગઈ. અને લોકવાયકાને તો પવનની પાંખ હોય છે. એટલે અમરબાઈ જ્યાં જઈ ઊભાં રહ્યાં ત્યાં ત્યાં એમણે હસાહસ દીઠી. લોકોએ કહ્યું, 'અમર મા ! આ ખટપટમાં શીદ પડ્યાં ? આવા ભેખથી તે સંસાર શું ખોટો?'

અનેકોએ કહ્યું કે, 'રબારો જોગની સિદ્ધિનો તો દેખાડો જ કરતો'તો ને આજ સુધી? પકડવા આવનારને ત્યાં ને ત્યાં પથરા કેમ ન બનાવી દીધા ?'

ગામડાંને ચોરે ને પાદરે ધૂણી ધખાવી બેઠેલા બાવાઓએ ત્રાડ મારી કે, 'આ જાવે તો સહી કોઈ હમકો પકડને કો ! ભસ્મ કર ડાલે ! માલૂમ ?'

અમરબાઈને ન સતાવ્યાં ફક્ત નાનાં બાળકોએ. ચણીબોર અને આંબલીના કાતરાની ખેાઈઓ ભરી ભરી ગોવાળના કિશોર બાળકો વગડાને માગે 'અમર મા’ની વાટ જોતાં ઊભાં. તેઓએ આ જંગલી મેવો જોગણને હોંશે હોંશે વહોરાવ્યા. તેઓએ નિત્યનાં અમરબાઈને કશા જ ભેદ વગર ભાવમાં નવડાવ્યાં. છોકરાંએ પૂછ્યું : “હેં અમર મા ! દેવીદાસ બાપુને સપારડા લઈ ગયા એ સાચું ?”

“સાચું, ભાઈ !”

“તયેં હાલોની, અમે સંધાય લાકડિયું લઈ લઈને તમારી ભેરે આવીએ. આપણે એ સપારડાં માથે એક મોટું કટક લઈ જાયે.”

"હા, હા, હાલો સરવે.” બધાં જ રામબાળકો કિકિયારી કરી ઊઠ્યાં.

“તમને દેવીદાસ બાપુ આટલા બધા વહાલા કેમ લાગે, છે હેં બચ્ચાં ?" અમરબાઈ રસ્તે ચાલતી ચાલતી પોતાની