પૃષ્ઠ:Puratan Jyot.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
પુરાતન જ્યોત
 

પછવાડે દોડ્યાં આવનાર બાળકોને પૂછતી.

"કેમ વા'લા લાગે છે? કહું? ઊભાં રો' કહું ! દેવીદાસ બાપુએ ઠેકઠેકાણે ઝાડવાં વાવેલ છે ને એટલે અમને છાંયો મળે છે. અમારે ઓળકોળાંબો રમવાની મજા પડશે કે નહીં ? એટલે વા'લા લાગે છે.”

"અને બચ્ચાંઓ !” અમરબાઈ હસીને સમજાવતાં, “આ ઝાડ મોટાં થશે તે દી તમેય મોટાં થઈ નહીં ગયાં હો ? પછી મોટપણે ઓળકોળાંબે કેમ કરી રમશો ?”

"હા, એ સાચું," છોકરાં જાણે નવીન સત્ય સમજી ગયાં. “ત્યારે તે પછે દેવીદાસ બાપુ આપણને શા સારુ વા’લા હોવા જોવે ?"

"પણ ભાઈ,” અમરબાઈ એ છોકરાઓને ખુલાસો કરતાં કહ્યું : “તમારાં છોકરાં તો તે દી રમવા જેવાં થશે ને ?”

"હા, એ પણ સાચું,” છોકરાં નવું સત્ય સમજતાં.

એ નિર્દોષ નિઃસ્વાર્થ ભાવે જોગણને ચાહતાં. એમની આસ્થા કોઈ ચમત્કારની માન્યતા ઉપર નહોતી મંડાયેલી.

એમાંથી અમરબાઈને પણ શીખવાનું મળ્યું. દેવીદાસમાં ચમત્કાર-સિદ્ધિનો જે અભાવ એને થોડી વાર પહેલાં ખૂંચ્યો હતો, તે ખૂંચતો મટી ગયો. અમરબાઈ એ આ વન-બાળ જેવી સાદી સ્નેહ-લાગણીનો આશરો લીધો. એક વિભૂતિહીન માનવી તરીકે દેવીદાસ વધુ વહાલા લાગ્યા.


[૧૨]

ત્રીજા દિવસની મધરાતના સુમારે અમરબાઈની આંખ મળી ગઈ હતી. તેમાંથી એ ઝબકીને જાગ્યાં. સામેની ગમાણમાં બાંધેલી ધેનુ ભાંભરડા દેતી હતી. આશ્રમની કૂતરી પરસાળમાં આંટા મારતી આકાશ સામે જોઈ રડતી હતી.

અંધારામાં બે માણસો દેખાયા. બેઉના ખભા ઉપર બે