પૃષ્ઠ:Puratan Jyot.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૬૧
 

મોટી ડાંગમાં લટકાવેલી લાંબી ઝોળી હતી. ઝોળીનું કપડું લોહી લેાહી થયું હતું.

"જય દત્તાત્રેય !” કહીને તેઓએ ઝોળી પરસાળ પર ઉતારી.

"માઈ!” બેમાંથી એક પુરુષે અમરબાઈને કહ્યું : “દેવલાકો સમાલ લો !”

બોલનારનો અવાજ બત્રીસે દાંતના અભાવની સાક્ષી દેતો હતો.

“ઔર માઈ ! અમરબાઈ !” બીજા પુરુષે અવાજ દીધો: “તેરા દેવલાકો ઔર કુછ નહીં કરના ! દત્તાત્રેયકે ધૂણેમેંસે ખાક લાકર દેવલાકા બદન પર માલિસ કરના ઔર પાની પિલાના.”

એ શબ્દધ્વનિ પણ એક બોખા જ મોંમાંથી નીકળતા હતા. બંને સ્વરોમાં જાણે કે યુગાન્તર જેટલી જૂની પિછાનના પડઘા હતા.

અમરબાઈ સમજી ગયાં કે સંત દેવીદાસના શરીરને ઈજા થઈ છે. ને એ આજારી શરીરને કોઈ બે ઓળખીતા બુઢ્ઢાઓ અહીં ઊંચકી લાવેલા છે. એણે પૂછ્યું :

“તમે કોણ છો ? ઊભા રહો. હું દીવો લાવું.”

"અમર ! બેટી !” એક વૃદ્ધે પોતાની આંખ પર છાજલી કરીને યુવાન જોગણ સામે જોયું, “ઊભા હમ નહીં રહેંગે, પિછાનકી કોઈ જરૂરત હી નહીં હૈ.”

"ઔર સબસે બડી પિછાન તો યહ હૈ કિ તૂ ભી વહી મહાપંથ પર ચલનેવાલી હૈ, જિસ પર ગુરુ દત્ત ચલે ગયે, ભક્ત નરસૈંયા ગયે. અબ ઈસમેં જ્યાદા ક્યા પિછાન દે સકતે હમ, બીટિયા?” એ સ્વર બીજા બુઢ્ઢાનો હતો. એમ કહીને બને જણ પાછા વળ્યા. વળતાં વળતાં બેઉએ અમરબાઈને નીચા વળી માન દીધું. અમરબાઈને ફક્ત આટલું જ યાદ રહ્યું.