પૃષ્ઠ:Puratan Jyot.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
પુરાતન જ્યોત
 

કે બેમાંના એક બુઝુર્ગે હાથ જોડી વંદન કર્યાં હતાં; ને બીજાએ લલાટ પર જમણા હાથની સલામ કરી હતી. એકના દેહ પર કાળી કફની હતી ને બીજાના શરીર પરનો અંચળો અંધારે સફેદ દેખાતો હતો. બેઉની આંખો જંગલના વાઘસાવજની આંખનાં રત્નો-શી ચળકતી હતી બુઝુર્ગો ડગમગુ ચાલે, લાકડીઓના ટેકા દેતા રવાના થયા અને તેઓના ઊંચા ડંડાઓના પછડાટ થોડી વાર પછી રાત્રીના હૃદયમાં સમાઈ ગયા.

અમરબાઈ એ દેવીદાસને ઓરડામાં લીધા. હજુ એનું શરીર અવાચક અવસ્થામાં પડ્યું હતું. આખે શરીરે ડાંગના માર પડ્યા હોય તેવી ફૂટ થઈ હતી. એક હાથનું કાંડું કોઈએ આગમાં શેક્યું લાગ્યું. એ બધી અવસ્થા જોઈ અમરબાઈના મુખેથી ફક્ત એક જ ઉદ્ગાર નીકળતો હતો:

“સત દેવીદાસ !”

એ ઉદ્ગારે અમરબાઈને રોઈ પડતી બચાવી. ધૈર્યના ઝરા એ ઉદ્‌ગારમાંથી ઝરતા થયા. અંધારી રાતે પોતે નજીકમાં જ દત્તાત્રેયનો ધૂણો હતો ત્યાં ભસ્મ લેવા ચાલી.

એ ચાલતી હતી તે વેળા કોઈ એક પક્ષીની કાળી મોટી પાંખો જેવો પડછાયો એની આગળ ને આજુબાજુ પડતો હતો. કોઈક અવાજ થતા હતા. અવાજમાં જાણે કે શબ્દનો આકાર રચાતો હતો : 'અમર ! અમર ! અમર !'

કોણ સાદ કરતું હશે ? જૂની કોઈ ઓળખાણ જાણે ગાજે છે.

ધૂણાને કાંઠે અમરબાઈ ઘડીક થંભ્યાં. કાજળવરણી રાતમાં એનો આહીર-દેહ આભે માંડ્યા થંભ જેવો દીસ્યો.

કોને દીસ્યો ?

‘અમર !'