પૃષ્ઠ:Puratan Jyot.pdf/૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકાશકનું નિવેદન

'સુલભ મેઘાણી સાહિત્ય' યોજનાનો પહેલો પુસ્તક-સંપુટ લેખકની ૨૮મી પુણ્યતિથિએ પ્રગટ થાય છે. 'તુલસી-ક્યારો', ‘પ્રતિમાઓ' અને 'પુરાતન જ્યોત' એ ત્રણ પુસ્તકોનો આ સંપુટ અગાઉથી ગ્રાહક બનનાર સાતેક હજાર વાચકોને દસ રૂપિયાની કિંમતે આપી શકાયો છે. યોજનાના બીજા તબક્કા રૂપે, પ્રકાશન પછી દોઢેક મહિના સુધી (૩૦ એપ્રિલ, ૧૯૭૬ સુધી) એ રૂ. ૧૨ માં મળશે; એ પછી છાપેલી કિંમતે (રૂ. ૨૧ માં) વેચાશે. બિન-ધંધાદારી ધોરણે આ પ્રકાશન થતું હોવાથી અને વહીવટી અને બીજી કરકસરને કારણે આટલી ઓછી કિંમતે આ પુસ્તકે આપી શકાય છે. (દા. ત. ત્રણેય પુસ્તકોનાં મળીને મૂળ લગભગ ૭૭૦ પાનાં હતાં, પણ છાપકામમાં કરકસર કરવાથી – પણ એક પણ શબ્દની કાપકૂપ વિના– પાનાંની સંખ્યા પાંચમા ભાગ જેટલી ઓછી થઈ છે.)

આ વખતના અનુભવે વિચાર આવ્યો કે આગોતરા ગ્રાહકો નોંધવાનું ખરચાળ તંત્ર ચલાવવું (અને આગોતરા ગ્રાહકોને બે-ત્રણ મહિનાની રાહ જોવરાવવી) તેને બદલે પુસ્તક તૈયાર કરીને જ આટલી ઓછી કિંમતે વેચાણમાં મૂકી દીધાં હોય તો ? એમ કરવા માટે ઓછા વ્યાજની લાખેક રૂપિયાની મૂડીની જોગવાઈ થઈ જશે તો હવે પછીના સંપુટો એ રીતે બહાર પાડવાની ધારણા છે.

દૂરના અને સમીપના, પરિચિત અને અણજાણ એવા અનેક મિત્રોએ અને આપણી કેટલીક ઉત્તમ શિક્ષણ-સંસ્થાઓના આચાર્યોએ ઠેરઠેરથી આ યોજનાને ઉમળકાથી આવકાર આપ્યો છે અને પોતાની આસપાસનાં કુટુંબોમાં આ યોજનાનો લાભ પહોંચે એમાં એ નિમિત્ત બન્યા છે, એનો અનુભવ સ્પર્શી જાય એવો છે. એ સહુનો અહેસાન પણ કેમ કરી માનવો ? – કારણ કે આ કામને તો એમણે પિતાનું જ ગણીને અપનાવી લીધું છે. એ સહુનો સદ્ભાવ માથે ચડાવીએ છીએ.