પૃષ્ઠ:Puratan Jyot.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૬૩
 

કોણે પાછું નામ લીધું?

'અરેરે જીવ ! આ તો બધાં પુરાતન થાનકો છે. કાળજૂનાં કંઈક માનવીઓ આંહીં ગારદ થયાં હશે, અનેક વાસનાઓ અણતૃપ્ત રહી ગયેલી હશે. કંઈક જોગંદરોનાંય કલેજાં હજુ ઝૂરતાં ને તલસતાં હશે. કોણ જાણે કોણ મને ભૂતકાળની સોડ્યમાં સૂતું સૂતું સાદ કરતું હશે'

એ પાછી ચાલી. ફરી પાછો 'અમર ! અમર !' એવો નાદ ગુંજ્યો. ને એ સ્વરોમાંથી નવા શબ્દો આકાર ધારણ કરતા ગયા.

'ચાલી આવ ! પાછી ચાલી આવ ! પાછી, પાછી, પાછી વળી આવ !'

આ અવાજ પુરાતન ન હોય. આ તો નજીકનો, તાજો, લાગણીભર્યો સાદ છે. અમરબાઈને એ સ્વરોમાં મીઠાશ લાધી, અને અંતરમાં પ્રશ્નાર્થ ચિહ્‌ન ખેંચાયું ? શા માટે આ બધું ? શા માટે સંકટો? આ રોજેરોજ નવનવી ઊઠતી આફતો : આ ભોંમાંથી જાગતાં ભાલાં? હું સેવા કરવા બેઠી. કોઈનું કશું બગાડતી નથી. દુનિયાને કશોય ભાર, કશીય ભીડ નથી કરતી. જગતની એઠ જમીને પેટગુજારો કરી રહી છું. છતાં શા માટે આ પરિહાસ !

'ચાલી આવ !'

મને કોણે બોલાવી ! ક્યાં ચાલી આવું?

થોડાંક - થોડાંક જ વર્ષો જગતને માણ્યું હોત તો કદાચિત્ આજે લાગેલ છે તેટલો થાક ન લાગત. 'આ મારી કાયા –' એણે ચાંદરણાંના તેજમાં પોતાના હાથને કોણી ઉપરવટ ભુજાઓ પર્યંત ખુલ્લા કરીને નિહાળ્યા, 'આ શરીર શેકાઈને શ્યામ પડી ગયું. કેવું ગોરું ગોરું હતું ! આમ કેમ થઈ ગયું ? પહેલા દિવસે આ લીમડાની ઘટામાં શીતળ શીતળ