પૃષ્ઠ:Puratan Jyot.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
પુરાતન જ્યોત
 

જોઈને જ પરસાળ ઉપર ઊભી રહે છે. એનાં નેણાં મને હસીને આદર આપે છે. મારે બીજી શી પડી છે !

ભિક્ષા માગવા જતાં રોજેરોજ શાદુળના પગ વધુ વેગ પકડતા ગયા. હમેશાં એકએક ગામ વધુ માગતો ગયો ને તેની વધામણી આશ્રમે જઈને અમરબાઈ બહેનની પાસે ખાતો ગયો.

રસ્તે કાળો સાપ પગમાં અફળાયો હય, ગીરનો સાવજ મળ્યો હોય, કોઈ વટેમાર્ગુ બાઈઓએ ઠેકડી કે કટાક્ષ કર્યાં તે પોતે શાંતિથી સહી લીધાં હોય, તે બધા વિશેની રજેરજ વાત શાદુળ અમરબાઈને રોજ રાતે કહેતો. ફરી ફરીને એની એ વાત કહેવાનું મન થયા કરતું. વળતા દિવસનું પ્રભાત ક્યારે પડે અને ક્યારે હું અમરબાઈ કરતાં વહેલો ઊઠીને જગ્યાનું છાણવાસીદું કરી નાખું, એ વાતને એને અજંપો લાગ્યો.

“શાદુળ ભગત ! આમ તો તમે તૂટી મરશો.”

અમરબાઈના એ બોલ ઝીલવાના હોય તો પોતે પહાડને પણ જડમૂળમાંથી ઉખેડી નાખે એટલા વેગમાં ને કેફમાં શાદુળ આવી પડતો.

ગામેગામની ગલીઓમાંથી શાદુળ ટહેલ કરીને પાછો વળતો ત્યારે પછવાડે વાતો થતી કે 'આની નાડી ધોયે તો આડાં ભાંગતાં. એવો લખમણ જતિ ! તોય એણે ભેખ ધર્યો.' શાદુળના કાન આવા બોલને પકડવા ઈચ્છતો નહોતો છતાંયે કોણ જાણે શાથી એના પગની ગતિ સહેજ ધીરી પડી જતી.


[૧૪]


અમરબાઈના જીવનમાં શાદુળ ભગતના આવ્યા પછી નવી સ્ફૂર્તિ ચડી. તે રાત્રીએ દત્તાત્રેયના ધૂણા પર સાંભળેલા ધ્વનિ શમી ગયા. 'ચાલી આવ !' 'પાછી ચાલી આવ ' કહી