પૃષ્ઠ:Puratan Jyot.pdf/૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રસ્તાવના

'સોરઠી સંતો” ઘણાં વર્ષો પર પ્રગટ કરવા ધારેલું. તે પછી પ્રગટ કરવા ધારેલી ઢગલાબંધ સંતસામગ્રી મારા જીવનનો પ્રવાહ અન્ય અનેક માર્ગે ફંટાતાં આજ સુધી રજોટાતી રહી. સંત-સાહિત્યના પ્રેમીજનોને તેમ જ ‘મિસ્ટિસિઝમ' (ભક્તિનો મર્મવાદ) ભણવાની નવી ઊગી નીકળેલી દ્રષ્ટિવાળા અભ્યાસીઓને ઉઘરાણી કરતા રાખવા પડ્યા. આજે પાછા તૂટેલા ત્રાગડા સંધાય છે, ને ત્રણ સંત-વાતો પ્રગટ થાય છે.

પહેલી વાત સંત દેવીદાસની, થોડો ખુલાસો માગે છે. કંઠોપકંઠ સચવાતી આવેલી એ વાર્તામાં થોડાંક પાઠાન્તર છે: ગિરનારથી દસ-બાર કોસ પર એકલવાયા ઊભેલા એ પરબ-વાવડીના થાનકમાં હું ગયો હતો ને ત્યાંનાં સ્ત્રી-મહંત શ્રી ગંગામાઈથી જાણ્યું હતું કે-

મૂળ અહીં સરભંગ ઋષિનો આશ્રમ. ઋષિ કોઢિયા હતા. રામાવતાર સુધી વાટ જોવાની હતી. પછીના કાળમાં આ થાનકનો અહાલેક-શબ્દ હતો : 'સંત સરભંગ ! લોહીમાંસકા એક રંગ !' પછી આ પડતર થાનકને ચેતાવ્યું કચ્છી ડાડા મેકરણે (જેની કથા અહીં મૂકેલ છે). એના વખતમાં ઝોળી ફરતી. એના જ કાળમાં અમૂલાબાઈ નામનાં એક સાધ્વી સાથે જસો (રબારી) ને વોળદાન (કાઠી) આવ્યા. મક્કેમદીનેથી લાવેલી આંબલીનું એમણે દાતણ રોપ્યું.

જગ્યાનું ડીંટ બંધાયું દેવીદાસથી. દેવીદાસ રબારીના દીકરા. ગિરનારના થાનક રામનાથમાં જોગી જેરામભારથી રહેતા. નજીકમાં રબારીઓ નેસ નાખીને પડેલા. દેવીદાસ જન્મ્યા કહેવાય છે જેરામભારથીના વરદાને કરી. પછી દેવીદાસ આ જગ્યાનો ટેલવો બન્યો. દેવીદાસ ગોબર ઉપાડતા, નારણદાસ ભંડાર કરતા. પરિપક્વ કાળે ગુરુએ અરધો રોટલો નારણદાસને આપી કહ્યું: ‘જા ઉત્તર તરફ, ભૂખ્યાંને દેજે' (આજ પણ

8