પૃષ્ઠ:Puratan Jyot.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
પુરાતન જ્યોત
 

ગંધાશે. પણ કાયાનો બીજો ઉપયોગ ન સૂઝ્યો. એટલે જ મેં એ અભાગણીને કહ્યું કે બાઈ આખરેય જવું તો છે બળતા ખોડસામાં ને ! તો પછી કાંઈક કામે લાગીને પછી જ જાને !”

કેટલી બધી મીઠાશથી આ મનુષ્ય પોતાના સત્યાનાશની ચર્ચા કરતો હતો ! પાણી જાણે આગની વાત કહેતું હતું.

સંતે વાત આગળ ચલાવી :

"અજબ થશો નહીં તમે બેઉ. હું તો આ ભોગવી જાણું છું જૂના કાળથી. જુવાન હતો ત્યારે દીપડાના એક જડબા ઉપર પગ દબાવીને બીજે જડબેથી મેં આખો ને આખો ચીર્યો હતો. શિકારીની બંદૂકથી ગોળી મને વાગેલી, ત્યારે મેં મારી છરી વતી દેહનો એ ભાગ ડખોળી ડખોળીને ગોળી બહાર કાઢી હતી. એટલે આજ મને આ રોગની પીડા વસમી નહીં થઈ પડે." પોતે હસ્યા. કહ્યું : “આટલું જાણ્યા પછી હવે કાલે જવાબ દેવા આવજો.”

ફરીથી પાછા દેવીદાસે માટીના પોપડા મોં પર લગાવી લીધા ને બોકાની બાંધી લીધી.

વળતા દિવસે અમરબાઈ કે શાદુળ બેમાંથી એકેય જણે આ વાતને ઉચ્ચાર કર્યો નહીં. સંતે પણ એનો સીધો આડકતરો કશો ઈશારો કર્યો નહીં.

રક્તપીતિયાના ભયાનક ચેપથી ભય પામેલાં બન્નેએ જગ્યાની બીજી બધી સેવાઓનું જ શરણ લીધું. જાણે લપાઈ ગયાં.


[૧૫]

અહીં આવ્યા પછી શાદુળને કંઈક ને કંઈક ગાવાનું દિલ થઈ આવતું. પ્રથમ તો એ છૂપો છૂપો ગુંજારવ કરતો :

માનસરોવર હંસો
ઝીલન આયો જી !

એ ભજન-પંક્તિ એને પ્યારી હતી. કૂવામાંથી પાણી