પૃષ્ઠ:Puratan Jyot.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૭૭
 


આ ભજન-કીર્તન થકી આપણે જગ્યાને સુપ્રસિદ્ધ કરી રહેલ છીએ એ વાતની બાપુને ઈર્ષા તો નહીં આવતી હોય ?

બાપુનેય જો પતિયાંનો ચેપ લાગ્યો તો પછી એમને પ્રભુ મળ્યા એ વાત તો સાચી ન કહેવાય ને? આવા સંશયો ઊભા થયા.

એક વેળા રાત્રીની ભજનમંડળી જામી પડી હતી. સાંભળનારાઓની ઠઠ બેઠી હતી. શાદુળના ને અમરબાઈના કંઠમાં નાખવા માટે લોકો વગડાઉ ફૂલોના ફૂલહાર લઈ આવ્યા હતા.

ફુલહાર થકી દીપતો જુવાન જોગી ગાતો ગાતો ઊભો થઈ ગયો. તંબૂરસહિત એ નાચવા લાગ્યો. એનાં નેત્રોમાંથી આનંદસમાધિનાં ચોધારાં આંસુ ચાલ્યાં જતાં હતાં.

પછી એ બેઠો. એણે હાથમાં કરતાલો લીધી. એવી તો મસ્ત ઝૂંક બોલી, અને એ ઝૂંક એવી તો જોશીલી રીતે શાદુળે લેવરાવી, કે “કડાક” કરતો એનો બેસવાનો ખાટલે તૂટ્યો, ખાટલાની જોરાવર ઈસના કટકા થયા.

ગામડે ગામડે ખબર પડી : શાદુળ ભગતને તો દૈવી ઓતાર આવી જાય છે !

ભક્તિરસમાં નિમગ્ન બનેલા આ બાળુડા જોગીની સામે, રાત્રીના ચંદ્રતેજમાં, અમરબાઈ નીરખી લેતાં. ને એને થતું :

મોર ! તું તો
આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો !
મોરલો મસ્ત લોકમાં આવ્યો.
મોર ! તું તો
સૂતો સારો શેરો જગાયો,
મોરલો મસ્ત લોકમાં આવ્યો.

ઝીણા ઝીણા કંઠે એ ગાવા લાગી. ગાતાં ગાતાં એને ભાસ થયો કે સારી સૃષ્ટિ અને ગગનપડદા પર કોઈ માનવમોરલાની