પૃષ્ઠ:Purvalap1.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બધી સામગ્રી એ મદનરસથી સૃષ્ટિ ભરતી, જનોના જુસ્સાને અતિ ચપલ ઉદ્દીપ્ત કરતી.

ઊછળ્યું લોહી તેથી એ સાવધાન થયો નહીં : સ્ત્રીસંગે નર્મગોષ્ઠીમાં વધે છે વનની મહીં.

ઉત્તુંગ નમ્ર સહકાર દીસે ઘણાય, લાખો વળી અગુરુ ચંદન ત્યાં જણાય; વૃક્ષો, લતા, સકલ કૈંક અપૂર્વ રંગ, જામે ન કાં પ્રબલ મિત્ર વડે અનંગ?

ફરતાં ફરતાં આવ્યો એક માલતીમંડપ; પ્રવેશ સતીની સાથે કરે છે તે મહીં નૃપ.

ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય, ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે, નેત્રને તૃપ્તિ થાય; બેસીને કોણ જાણે ક્યહીં પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય, ગાળી નાંખે હલાવી રસિક હૃદયને, વૃત્તિથી દાબ જાય.

“સાંભળ્યું મોહ પામીને હવે કોકિલકૂજન; પ્રિયા પંચમ વૃષ્ટિથી ન્હાવાનું થાય છે મન.”

જરા શંકા પામી, તદપિ નહિ કાંઈ કહી શકી, વળી એવી ભીતિ નૃપવદન જોતાં નહિ ટકી;

નહીં રાજાજીનો હુકમ પણ પાછો કદી ફરે, વિચારી એ માદ્રી તરત જ જરા કૈં શરૂ કરે.