પૃષ્ઠ:Purvalap1.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દિવ્ય રાગ શરૂ થાતાં બન્યું શાંત બધું વન; લોહચુંબકથી જાણે ખેંચાયાં સર્વનાં મન.

માધુર્ય એ ઊછળતું ક્યહીં ના સમાય, હા! કેમ આ હલક અંતરથી ખમાય; સાથે મળ્યાં તરત દંપતી સર્વ દોડી! ભેટી રહ્યા સ્વર વિષે દઈ વૃત્તિ જોડી!

ઘેલી બની બધી સૃષ્ટિ રસમાં હાલ ન્હાય છેઃ હાય! એક જ પાંડુના હૈયામાં કૈંક થાય છે!

સંગીતામૃત વર્ષતાં પ્રથમ તો આનંદ વ્યાપી ગયો; સાતે એક કરું પ્રિયાહૃદયને આવેશ એવો થયો; ખેંચાયો પણ વેગ પૂર્ણ કરતાં, આવી સ્થિતિની સ્મૃતિ, રાખે અંકુશ, તોય સ્પષ્ટ વપુમાં દેખાય છે વિકૃતિ.

નિહાળી નૃપને રાજ્ઞી જરા ગાતાં રહી ગઈ; હાય રે! ઊલટી તેથી તેની શાંતિ વહી ગઈ!

“પ્રિયે! માદ્રી! આહા! સહન મુજથી આ નથી થતું; નહીં મારે જોઈએ તપફલ, ભલે એ સહુ જતું; ચલાવી દે પાછી મધુર સ્વરની રમ્ય સરિતા, છટાથી છોડી દે! અરર! ક્યમ રાખે નિયમિતા? ”

વૃત્તિઓ પરથી તેનો અધિકાર ગયો હતો; અપૂર્વ ધ્વનિથી પૂરો મદોન્મત્ત થયો હતો :