પૃષ્ઠ:Purvalap1.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હરિત નીલ સુદૂર વનસ્થલી — પર મળી સુકુમાર મૃગો રમે; ઉપવનો તણી સંવૃત આવલી — મહીં જવા પ્રણયી તરુણો ભમે!

નાનાં નાનાં ક્યહીં શુચિ સરો, કચ્છ ઉત્તાન રમ્ય, સ્નેહે જોવા થકી ઊપજતી ભાવના કૈં અગમ્ય! આઘું આઘું મુદિત રવનું ચિત્ર સંગીત થાય શાનો ક્યાંથી કંઈ નીસરતો મિષ્ટ આમોદ વાય!

અસર સુંદર અદ્ભુત રંગની, સકલ સૃષ્ટિ નવીન ખરે બની; રવિમરીચિ બધે હિમને હરે, ગહનમાં તદનંતર ઊતરે.

શાખાઓમાં તરુવર તણી ચક્રવાકી છુપાતી, શોધી કાઢે દયિત નયનો, જોઈને હૃષ્ટ થાતી; ચંચૂ ચંચૂ મહીં લઈ પછી પક્ષને પક્ષમાં લે, ક્રીડા એવી કંઈ કંઈ કરે મૌગ્ધ્યમાં દંપતી તે,

સુયુત બે ચરણો થકી ઊડતાં, પવનથી પડતાં કંઈ બૂડતાં; વિમુખ એકલી ન્હાતી પ્રિયા-શિરે, પતિ જઈ અભિષેક કદી કરે!

કાંઠે બેસી નજર કરતાં આત્મછાયા જણાય, બીજાંની ત્યાં પ્રતિકૃતિ ભણી એક દૃષ્ટિ તણાય.